ટેક-સેવી રિયાઝ નાઇકો હિઝબુલનો નવો કમાન્ડર

શ્રીનગર: હિઝબુલ કમાન્ડર સબઝાર બટના મોતના એક દિવસ બાદ જ આતંકી સંગઠને પોતાના નવા કમાન્ડરની નિમણૂક કરી દીધી છે. ર૯ વર્ષીય રિયાઝ નાઇકોને બટના સ્થાને જવાબદારી સોંપવામાં આવનાર છે. રિયાઝ આતંકી સંગઠન સાથે સંકળાયેલા તમામ આતંકીઓમાં સૌથી જૂનો છે. હિઝબુલના કટ્ટર આતંકીઓ વચ્ચે રિયાઝની ઓળખ તુલનાત્મક રીતે ઉદાર વિચારધારા ધરાવનાર તરીકે છે. રિયાઝ માત્ર ટેક-સેવી જ નથી, પરંતુ તે ખીણમાં ધર્મનિરપેક્ષ સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવામાં વિશ્વાસ ધરાવે છે.

તાજેતરમાં જ સંગઠન સાથે વૈચારિક વિરોધને ટાંકીને તેણે ઝાકીર મુસાના વિચારોની સતત આલોચના કરી હતી. થોડા મહિના પહેલાં જ એક વીડિયો જારી કરવામાં રિયાઝ ચર્ચાસ્પદ બન્યો હતો. ૧૧ મિનિટના આ વીડિયોમાં તેના સાથી ઝુબેર તરફથી કાશ્મીરી પંડિતોને સંબોધન કરતાં તેમને ખીણમાં પરત આવવા અપીલ કરી હતી. વીડિયોમાં જણાવ્યું હતું કે કાશ્મીરી પંડિતોને અમે ખીણમાં પરત આવવા અપીલ કરીએ છીએ..

વીડિયોમાં વધુમાં તેણે જણાવ્યું હતું કે અમે હંમેશાં કાશ્મીરી પંડિતોનું ખુલ્લા દિલે સ્વાગત કરીએ છીએ. તેમના માટે અમારા દિલમાં કાયમી સ્થાન છે. કાશ્મીર પંડિત આપણા દેશના નાગરિક છે અને અમે તેમના દુશ્મન નહીં પણ રખેવાળ છીએ. હિઝબુલ ટૂંક સમયમાં જ રિયાઝ નાઇકોની હિઝબુલના કમાન્ડર તરીકે નિમણૂક કરવાની સત્તાવાર જાહેરાત કરશે. પાકિસ્તાન મૂળના હિઝબુલ મુજાહિદ્દીન પર આતંકી સંગઠન આઇએસઆઇએસનું ભારે દબાણ છે.

http://sambhaavnews.com/

You might also like