ટીમે જીતવાની આદત કેળવી લીધી છેઃ વિરાટ

કોલંબો: દુનિયાના કોઈ પણ ખૂણામાં ટીમ ઇન્ડિયાએ જીતવાની આદત કેળવી લીધી છે અને પોતાની વિજયકૂચ આગળ વધારવાની તેને ભૂખ છે એમ શ્રીલંકા સામે અહીં બીજી ટેસ્ટ સાથે શ્રેણી જીત્યા પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું. ભારતે અહીંની બીજી ટેસ્ટ મેચમાં એક દાવ અને ૫૩ રનથી વિજય મેળવી ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦થી અજેય સરસાઈ લીધી હતી.

વિરાટે કહ્યું, ” હવે અમે જીતવાની આદત કેળવી છે, જે ભવિષ્યમાં પણ કામ આવી શકે છે. ભારતીય ટીમે છેલ્લી નવ ટેસ્ટમાંથી છ વાર ૬૦૦ રનનો સ્કોર ખડક્યો છે, જે અમારા બેટ્સમેનોની રન માટેની ભૂખ દર્શાવે છે.”

નિરાશ થયેલા શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંદીમલે કબૂલ્યું હતું કે તેની ટીમનો દેખાવ રમતના બધા વિભાગમાં ભારત કરતાં ઘણો નબળો હતો અને તેનું મુખ્ય કારણ પહેલા દાવની નિષ્ફળ બેટિંગ રહી હતી. આ કારણે અમારા બેટ્સમેનોએ બીજા દાવમાં ભારે માનસિક દબાણ હેઠળ રમવું પડ્યું હતું.

શ્રેણી હારી ચૂક્યા પછી શ્રીલંકાએ ત્રીજી ટેસ્ટમાં હવે ફક્ત પ્રતિષ્ઠા બચાવવા માટે રમવાનું છે અને શ્રેણીમાં પોતાનો સંપૂર્ણ રકાસ થતો રોકવાનો રહેશે. શ્રીલંકાએ તેના બે મુખ્ય ખેલાડીની સેવા ગુમાવી દીધી છે, જેમાં ફાસ્ટ બૉલર્સ નુવાન પ્રદીપ અને સુરાન્ગા લકમલ ઈજાના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બાકાત થઈ ગયા છે.

You might also like