ટીમ સ્પિરિટે અંજાર બસ સ્ટેશનને બનાવ્યું હરિયાળું

વૃક્ષો વાવવાની ઝુંબેશ તો વનવિભાગ કે સામાજિક સંસ્થાઓના ઉપક્રમે અવારનવાર થતી હોય છે પરંતુ વાવેલાં વૃક્ષો ઉછર્યાં કે નહીં તે જોવાની પરવા કોઇ કરતું હોતું નથી. અંજાર બસ સ્ટેશનમાં થોડાં વર્ષો પહેલાં રોપાયેલાં વૃક્ષો આજે મોટાં અને લીલાંછમ થઇ ગયાં છે. પહેલાં બસ સ્ટેશન તદ્દન સૂકુંભઠ્ઠ હતું પરંતુ ડેપો મેનેજરની પ્રેરણાથી ને કર્મચારીઓની ટીમ સ્પિરિટથી આજે આ બસ સ્ટેશનમાં હરિયાળી લહેરાય છે. થોડાં વર્ષો અગાઉ તે સમયના ડેપો મેનેજર એચ.આર. શામળાને બસ સ્ટેશનની ફાજલ જમીન પર વૃક્ષો ઉછેરવાનો વિચાર આવ્યો, જે વિચારને વર્કશોપમાં કામ કરતાં હુસેન ઇસાક ઉનડ, ભરત ગોસ્વામી, નીતિન વ્યાસ, રાજુભા જાડેજા સહિતના સ્ટાફે વધાવી લીધો. નગરપાલિકા તરફથી પાણીનું જોડાણ મળ્યું અને લીમડો, પીપળો, ગુલમોર, મેંદી, અરડુસી જેવાં વૃક્ષો રોપાયાં. હુસેન ઇસાક ઉનડ જણાવે છે, “વૃક્ષોના કારણે પર્યાવરણ સુધરે છે, વરસાદ સારો થાય છે, પક્ષીઓને આશરો મળે છે. મારે નિવૃત્ત થઇને પણ આ જ કામ કરવું છે.”

આજે અંજાર બસ સ્ટેશનમાં જેટલાં વૃક્ષો છે તેટલાં વૃક્ષો તો કચ્છના કોઇ ડેપોમાં નથી. અહીંં હવે ઔષધીય વૃક્ષો વાવવાની યોજના છે. જેમાં અરડુસી, સીસમ, નગોડ અને અજમાને ઉછેરાશે. અંજારથી બદલી પામીને ભચાઉના ડેપો મેનેજર બનેલા ડેપો મેનેજર શામળાએ ભચાઉમાં પણ વૃક્ષારોપણનું કામ ચાલુ કરાવ્યું છે.
http://sambhaavnews.com/

You might also like