ટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ

લંડનઃ ટીમ સાઉથ ઇન્ડિયાએ પહેલા સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઈંગ્લેન્ડને પરાસ્ત કરીને ખિતાબ જીતી લીધો. ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ મેદાનમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં સાઉથ ઇન્ડિયાએ ૧૦ ઓવરમાં ૪૭ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની સ્ટ્રીટ ટીમ ૪૨ રન જ બનાવી શકી.

ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ અને ભારત (ચેન્નઈ-મુંબઈ)ની સ્ટ્રીટ ક્રિકેટ ટીમને રમવાની તક મળી હતી. આ ટૂર્નામેન્ટનું આયોજન આઇસીસી વન ડે વર્લ્ડકપની પહેલાં કરવામાં આવ્યું હતું. આ સ્ટ્રીટ સાથે જોડાયેલાં બાળકોનો પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપ હતો. દિલચસ્પ વાત એ છે કે આ ટૂર્નામેન્ટમાં દરેક ટીમમાં છોકરા-છોકરીઓ સાથે રમ્યાં હતાં.

આ વર્લ્ડકપમાં નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયાની ટીમો પણ મોકલવામાં આવી હતી. નોર્થ ઇન્ડિયાએ ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નોર્થના ખેલાડી આયુષ્માનને ટૂર્નામેન્ટનો બેસ્ટ ફિલ્ડર જાહેર કરવામાં આવ્યો હતો.

આ વર્લ્ડકપનું આયોજન દુનિયાભરનાં ગલીમાં ક્રિકેટ રમતાં બાળકો માટે કરવામાં આવ્યું હતું. આ વર્લ્ડકપમાં સાત દેશનાં બાળકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગુલી અને મિતાલી રાજ ભારતીય ટીમનાં બ્રાન્ડ એમ્બેસેડર હતાં.

You might also like