ટીમ ઇન્ડિયા હવે બિઝનેસ ક્લાસમાં કરશે સફર

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ક્રિકેટર્સ જ્યારે પણ કોઈ વિદેશ પ્રવાસ માટે પોતાના શહેરથી દિલ્હી કે મુંબઈમાં એકઠા થવા માટે આવે છે ત્યારે અથવા વિદેશ પ્રવાસથી પાછા ફરીને પોતપોતાના શહેરમાં જાય છે ત્યારે તેઓએ ઇકોનોમી ક્લાસમાં સફર કરવી પડે છે એટલું જ નહીં, ટીમ ઇન્ડિયાના ઘરેલુ પ્રવાસની શરૂઆત અને અંતમાં જ્યારે ક્રિકેટર પોતપોતાના શહેર અને યજમાન સ્થળે જાય છે ત્યારે પણ ઇકોનોમી ક્લાસમાં સફર કરવી પડે છે. આ દરમિયાન ક્રિકેટ ચાહકો એરપોર્ટ પર જ ક્રિકેટર સાથે સેલ્ફી કે ઓટોગ્રાફ લેવાની જીદ કરતા હોય છે, જેના કારણે વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

આ અંગે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બીસીસીઆઇ સાથે વાત કરી હતી. ત્યાર બાદ કાર્યવાહક અધ્યક્ષ સી. કે. ખન્નાએ આ સ્થિતિમાં ભારતીય ક્રિકેટર્સને બિઝનેસ ક્લાસમાં સફર કરાવવાની ભલામણ કરી હતી, જેનો હવે સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. વર્ષભર ટીમ ઇન્ડિયાએ ઘણી હવાઈ યાત્રાઓ કરવાની હોય છે. હવે બિઝનેસ ક્લાસમાં સફરની સુવિધા ટીમ ઇન્ડિયા સારી બની રહેશે.

સી. કે. ખન્નાએ કહ્યું કે, ”બોર્ડે આ અંગે ખેલાડીઓની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. વર્તમાન ટીમ ઇન્ડિયામાં ઘણા એવા ખેલાડીઓ પણ છે, જેઓને પોતાના કદને કારણે પણ ઇકોનોમી ક્લાસમાં પરેશાની થાય છે. આમાં ઈશાંત શર્મા, કે. એલ. રાહુલ, મોહંમદ શામી અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડી સામેલ છે, કારણ કે આવા ખેલાડીના પગ યોગ્ય રીતે રહી શકતા નથી.

ભારતનો દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલદેવ પણ આ મુદ્દો અગાઉ ઉઠાવી ચૂક્યો છે. કપિલે ગત સપ્ટેમ્બરમાં બોર્ડને કહ્યું હતું, ”હવે સમય આવી ગયો છે કે જ્યારે બોર્ડ પાસે પોતાનું એક પ્લેન હોવું જોઈએ. બીસીસીઆઇ પાસે હવે ઘણાં નાણાં છે. આ સ્થિતિમાં બોર્ડે એક વિમાન ખરીદી લેવું જોઈએ. એનાથી સમય અને નાણાંની બચત થઈ શકશે.”

સી. કે. ખન્નાએ જણાવ્યું, ”મારા દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવનો બીસીસીઆઇએ સ્વીકાર કરી લીધો છે. નિશ્ચિત રીતે જ એનાથી ખેલાડીઓને સુવિધા મળશે.

You might also like