ટીમ ઇન્ડિયા ચાર વર્ષનો દુષ્કાળ સમાપ્ત કરી શકશે?

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામે ૨૨ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી ત્રણ ટેસ્ટની શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની પસંદગી થઈ ચૂકી છે. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર જે ભારતીય ટીમને મોકલવામાં આવી હતી તેમાં ફક્ત બે ફેરફાર કરાયા છે. ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની અને શાર્દુલ ઠાકુરને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. બેટિંગ હંમેશાંથી ટીમ ઇન્ડિયાની તાકાત બની રહી છે, પરંતુ કેટલાક આંકડા એવા છે, જે ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી રહ્યા છે. આ આંકડા દર્શાવે છે કે બેટ્સમેનોએ વધુ જવાબદારી સાથે રમવું પડશે અને પીચ પર વધારે સમય વિતાવવો પડશે.

પાછલા દોઢ વર્ષમાં ટીમ ઇન્ડિયા ૨૦ મેચ રમી છે, જેમાંથી ફક્ત ચાર વાર ભારતીય ટીમ ૪૦૦ના સ્કોરને પાર કરવામાં સફળ રહી છે. ૨૦૧૫ બાદથી ટેસ્ટ મેચની એક ઇનિંગ્સમાં ભારતીય ટીમ તરફથી સૌથી મોટા સ્કોરની વાત કરવામાં આવે તો એ સ્કોર છે ૫૬૬ રનનો, જે ટીમ ઇન્ડિયાએ ગત સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ સામે નોંધાવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની બીજા દરજ્જાની ટીમ વિરુદ્ધ ભારતીય ટીમે એક વાર ૫૦૦ના આંકડાને સ્પર્શ કર્યો.

૨૦૧૫ બાદથી રમાયેલી ૨૦ ટેસ્ટમાં ભારતીય ટીમ નવ વાર ૩૦૦ના આંકડાના પાર કરવામાં પણ નિષ્ફળ રહી છે. ભલે ભારતીય ટીમે શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ શ્રેણીમાં જીત હાંસલ કરી હોય, પરંતુ આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ૨૦૧૫ બાદ ભારતે વિરોધી ટીમ સામે એક વાર પણ ૬૦૦ રન સ્કોરબોર્ડ પર નોંધાવ્યા નથી. ૨૦૧૧માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી કોલકાતા ટેસ્ટમાં ૬૩૧ રન બનાવીને ભારતે પોતાની ઇનિંગ્સ ડિકલેર કરી હતી અને એ પ્રદર્શન અંતિમ વાર હતું, જ્યારે ભારતીય ટીમે ૬૦૦થી વધુ રન બનાવ્યા હતા.

You might also like