ટીમ ઇન્ડિયાએ કિવીઝને જીતવા માટે પહાડ જેવું ૩૭૬ રનનું લક્ષ્ય આપ્યું

કોલકાતાઃ ત્રણ ટેસ્ટની શ્રેણીની બીજી મેચમાં આજે ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ પોતાની જીત પાકી કરી લીધી છે. આજે સવારે ભારત ૨૬૩ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ જતા ન્યૂઝીલેન્ડ સામે જીત માટે અશક્ય અને પહાડ જેવું ૩૭૬ રનનું લક્ષ્ય મૂક્યું છે. કોલકાતાની પીચનો મૂડ જોતા આ લક્ષ્યને પાર પાડી શકે એવી કોઈ જ શક્યતા દેખાતી નથી, કારણ કે પીચ પરની તિરાડો ખૂલી ચૂકી છે અને પીચ પર અસમાન ઉછાળ છે, જેના કારણે બેટ્સમેનોને બોલને સમજવામાં મુશ્કેલી પડી રહી છે. ન્યૂઝીલેન્ડને હારથી હવે હવામાન સિવાય કોઈ બચાવી શકે તેમ નથી, કારણ કે આ વિકેટ પર બેટ્સમેન માટે ટકવું બહુ જ મુશ્કેલ છે.
છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે અઘરા લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ન્યૂઝીલેન્ડની ટીમનાે સ્કોર ૦૦ વિકેટે ૦૦ રન છે. ગુપ્ટિલ ૦૦ રને અને લાથમ ૦૦ રને બેટિંગ કરી રહ્યા છે.

ગઈ કાલની રમત પૂરી થઈ ત્યારે ભારતે આઠ વિકેટે ૨૨૭ રન બનાવી લીધા હતા. ગઈ કાલના અણનમ બેટ્સમેનો રિદ્ધિમાન સાહા અને ભુવનેશ્વરે આજે ભારતનો દાવ આગળ ધપાવ્યો હતો. આજે સૌથી પહેલો આઉટ થનાર ખેલાડી ભુવનેશ્વરકુમાર હતો. ૨૫૧ રનના કુલ સ્કોર પર ભુવનેશ્વર ૫૧ બોલમાં બે ચોગ્ગા અને છગ્ગા સાથે ૨૩ રન બનાવી વેગનરની બોલિંગમાં નિકોલસના હાથમાં ઝિલાઈ ગયો હતો. ત્યાર બાદ અંતિમ વિકેટના રૂપમાં મોહંમદ શામી બોલ્ટની બોલિંગમાં એક રને લાથમ દ્વારા કેચઆઉટ થયો હતો. આમ ભારતીય ઇનિંગ્સ ૨૬૩ રને સમાપ્ત થતા અને લીડ ઉમેરતા ન્યૂઝીલેન્ડને જીતવા માટે પહાડ જેવું ૩૭૬ રનનું લક્ષ્ય મળ્યું હતું.

પરિસ્થિતિ ઘણી મુશ્કેલઃ બોલ્ટ
કોલકાતાના થકાવી નાખનારા હવામાને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની આકરી પરીક્ષા લીધી છે અને ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યું કે તે આટલા ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ક્યારેય રમ્યો નથી. બોલ્ટે કહ્યું, ”હું આને મારી કરિયરની સૌથી મુશ્કેલ પરિસ્થિતિ તરીકે જોઉંં છું. હું નથી જાણતો કે ટીવી પર જોઈને કેવું લાગે છે, પરંતુ આ ઘણું મુશ્કેલ નથી. બેશક વિકેટ અને હવામાં ભેજને કારણે ઘણી મુશ્કેલ પરિસ્થિતિ છે. ગરમીના મામલામાં અંતિમ સેશન સંભવતઃ સૌથી આસાન સેશન હતું. બોલર્સે સચોટ લાઇન-લેન્થથી બોલિંગ કરીને શાનદાર પ્રદર્શન કર્યું અને દબાણ વધાર્યું. અમે ટીમ ઇન્ડિયા પર દબાણ વધારવા ઇચ્છતા હતા અને તેમને પ્રત્યેક રન માટે સંઘર્ષ કરાવવા ઇચ્છતા હતા. મને લાગે છે કે અા પરિસ્થિતિમાં ઘણું સારું પ્રદર્શન કર્યું.

હું દબાણમાં છું એવું ફક્ત મીડિયા કહે છેઃ રોહિત શર્મા
ટેસ્ટ ક્રિકેટમાં ક્યારેક એક બોલરના ભોગે તો ક્યારેક કોઈ બેટ્સમેનના ખરાબ ફોર્મના કારણે અંતિમ ઈલેવનમાં સ્થાન મેળવનારો રોહિત શર્મા પોતાની જગ્યા પાકી કરવા માટે હંમેશાં દબાણમાં રહે છે, પરંતુ રોહિત શર્મા માને છે કે તેના ઉપર ક્યારેય કોઈ જાતનું દબાણ રહ્યું નથી. રોહિતના જણાવ્યા અનુસાર આવું ફક્ત મીડિયા માને છે કે ટેસ્ટ ટીમમાં સ્થાન પાકું કરવા માટે તે હંમેશાં દબાણમાં રમે છે.
ગઈ કાલે ટીમ ઇન્ડિયાના ટોપ ઓર્ડર બાદ જે રીતે રોહિતે ટીમને દબાણમાંથી બહાર કાઢી તેનાથી આગામી મેચમાં તેને થોડી ઘણી રાહત જરૂર મળશે. રોહિતે પહેલાં કેપ્ટન કોહલી સાથે મળીને સપોર્ટિંગ અને બાદમાં ડોમિનેટિંગ રોલમાં બેટિંગ કરી. ઈડનની આ પીચ પર જ્યાં બેટ્સમેન માટે ઊભા રહેવું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું ત્યાં રોહિત ૨૧૪ મિનિટ સુધી ટકી રહ્યો અને આકર્ષક ૮૨ રનની ઇનિંગ્સ રમી. તેની ઇનિંગ્સથી ટીમ ઇન્ડિયા ગઈ કાલે જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ હતી.

એ ઇનિંગ્સ બાદ રોહિતે કહ્યું, ”મને જોઈને તમને એવું લાગે છે કે હું દબાણમાં રમતા ખેલાડીઓમાંનો એક છું? એ વાત ફક્ત મીડિયા તરફથી કહેવામાં આવે છે કે હું દબાણમાં છું. મારા પર કોઈ દબાણ નથી. મેં શ્રેણીની પહેલી ટેસ્ટ (કાનપુર)માં પણ રન બનાવ્યા જ હતા.”

You might also like