કુંબલે-શાસ્ત્રી, મૂડીના આજે ઇન્ટરવ્યૂ પાટીલને કોલકાતા નથી બોલાવાયો

કોલકાતા: ભારતીય ક્રિકેટમાં તો શું, ક્રિકેટજગત સાથે સંકળાયેલા કોઈ પણ દેશમાં ના બન્યો હોય એવો અસાધારણ બનાવ આજે કોલકાતામાં બનવા જઈ રહ્યો છે. ભારતીય ટીમના હેડ કોચ પસંદ કરવા માટે ક્રિકેટ બોર્ડે મંગાવેલી ૫૭માંથી ૨૧ અરજીને પસંદ કરાયા પછી હવે આજે ક્રિકેટ બોર્ડની સલાહકાર સમિતિના ત્રણ સભ્યો-સચીન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ અરજીકર્તાઓના ઇન્ટરવ્યૂ લેશે. આ અરજીકર્તાઓમાં ખાસ કરીને અનિલ કુંબલે, રવિ શાસ્ત્રી અને સંદીપ પાટીલનો સમાવેશ છે. બીજી રીતે કહીએ તો સચિન-સૌરવ-લક્ષ્મણની ત્રિપુટી આજે વારાફરતી કુંબલે, શાસ્ત્રી અને ટોમ મૂડીના ઇન્ટરવ્યૂ લેશે. અન્ય અરજીકર્તાઓમાં વેંક્ટેશ પ્રસાદ, પ્રવીણ આમરે, લાલચંદ રાજપૂત, બલવિન્દરસિંહ સંધુનો પણ સમાવેશ છે.

નવાઈની વાત એ છે કે સચીન તેની જ્વલંત કારકિર્દી દરમિયાન રવિ શાસ્ત્રી તેમજ કુંબલેની કૅપ્ટન્સી હેઠળ રમ્યો હતો અને આજે તે પોતાના એ બે ભૂતપૂર્વ સુકાનીઓના ઇન્ટરવ્યૂ લેશે.

ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડી શ્રીલંકાનો કોચ રહી ચૂક્યો છે, જ્યારે આઇપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદને પણ પોતાની સેવાઓ આપી ચૂક્યો છે. ૫૯ વર્ષીય સંદીપ પાટીલને બીસીસીઆઇની સલાહકાર સમિતિએ કોલકાતા બોલાવ્યો નથી. સમિતિનાે સભ્ય સચીન તેંડુલકર લંડનથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કામગીરીમાં જોડાશે.

સંદીપ પાટીલે ગઈ કાલે કહ્યું હતું કે હજુ સુધી મને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો નથી. મને લાગતું હતું કે હું આ પદની યોગ્યતા રાખું છું. આથી મેં આવેદન કર્યું હતું. મને કોઈ વાતની ફરિયાદ નથી અને હું દુઃખી પણ નથી. ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બપોરે ૧.૩૦ વાગ્યાથી શરૂ થશે. આ પ્રક્રિયાના કો-ઓર્ડિનેટર બીસીસીઆઇના ભૂતપૂર્વ સચિવ સંજય જગદાલે હશે.

દરમિયાન, કોચપદની રેસમાં સૌથી આગળ હોવા છતાં કુંબલે બોર્ડ દ્વારા દર્શાવાયેલી બધી જરૂરિયાતો સંતોષી શકે એમ નથી. કુંબલેને ઇન્ટરનેશનલ ટીમને કે ફર્સ્ટ ક્લાસ ટીમને કોચિંગ આપવાનો કોઈ અનુભવ નથી. તેણે નેશનલ ક્રિકેટ ઍકેડેમીમાંથી કોઈ કોર્સ પણ નથી કર્યો, જોકે કુંબલેને સચીન, ગાંગુલી અને લક્ષ્મણનું સમર્થન છે, પરંતુ શાસ્ત્રીના પક્ષમાં એ વાત જાય છે કે ૨૦૧૪થી ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલો રહ્યો છે અને બધા ખેલાડીની ખૂબીઓથી સારી રીતે વાકેફ છે.

You might also like