ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ડોન બ્રેડમેનને પણ પાછળ છોડી દીધા

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનાે કેપ્ટન વિરાટ કોહલી હાલ કેવું પ્રદર્શન કરી રહ્યો છે એ કહેવાની કોઈને જરૂર નથી. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેનું બેટ સતત રન બનાવી રહ્યું છે. ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ જીત હાંસલ કરી તેનું સૌથી મોટું કારણ વિરાટનું પ્રદર્શન હતું.

કોહલીએ નોટિંગહમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ૯૭ અને બીજી ઇનિંગ્સમાં ૧૦૩ રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે એક એવી સિદ્ધિ હાંસલ કરી લીધી, જે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડોન બ્રેડમેન પણ હાંસલ કરી શક્યા નથી.

કોહલીએ સાતમી વાર કેપ્ટનશિપ કરતાં એક મેચમાં ૨૦૦ કે તેથી વધુ રન બનાવ્યા અને તેમાં ટીમ ઇન્ડિયાને જીત મળી છે. મતલબ કેપ્ટન રહેતા કોહલીએ જો કોઈ મેચમાં ૨૦૦ કે તેથી વધુ રન બનાવ્યા હોય અને તેમાં ટીમ ઇન્ડિયાને જીત મળી હોય.

આ મામલામાં વિરાટે બ્રેડમેનને પણ પાછળ છોડી દીધા છે. સર ડોન બ્રેડમેન અને રિકી પોન્ટિંગે આ સિદ્ધિ છ વાર મેળવી છે, પરંતુ કોહલીએ આ બંનેને પાછળ છોડી દઈને નવો રેકોર્ડ બનાવી દીધો છે.

બ્રેડમેને ઈંગ્લેન્ડ સામે ચાર વાર અને ભારત સામે બે વાર આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે પોન્ટિંગે દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સામે ૨-૨, વિન્ડીઝ અને ઈંગ્લેન્ડ સામે ૧-૧ વાર આ સિદ્ધિ મેળવી. કોહલીએ ૧૦મી વાર કેપ્ટનશિપ સંભાળતાં એક મેચમાં ૨૦૦ કે તેથી વધુ રન બનાવ્યા, જે એક ભારતીય રેકોર્ડ પણ છે.

કોહલી ઉપરાંત મહેન્દ્રસિંહ ધોની જ એવો કેપ્ટન છે, જેણે ભારતે જીતેલી મેચમાં ૨૦૦થી વધુ રન બનાવ્યા હોય. ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં રમાયેલી મેચમાં ૨૨૪ રનની ઇનિંગ્સ રમી હતી. એ મેચમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો.

You might also like