શું ટીમ ઇન્ડિયાના બેટ્સમેન બેઝિક્સ પણ ભૂલી ગયા છે?

અમદાવાદઃ ભારતીય બેટ્સમેનોના એન્ટીગામાં રમાયેલી ચોથી વન ડેમાં વિન્ડીઝના બોલર્સે જે હાલ કર્યા એ ભારતીય પ્રશંસકોએ જોયું. આ મેચના પરિણામે ક્રિકેટ ચાહકોને નારાજ કરી દીધા, પરંતુ મેચ દરમિયાન એ વાત સ્પષ્ટ રીતે સામે આવી ગઈ કે ભારતીય બેટ્સમેન એ મેચમાં કદાચ ક્રિકેટ રમવાનું જ ભૂલી ગયા હતા.

ચોથી વન ડેમાં વિન્ડીઝના બોલર્સે ભારતીય બેટ્સમેનોને સારો એવો પાઠ ભણાવ્યો. દુનિયાની સૌથી મજબૂત બેટિંગ લાઇન અપ હોવા છતાં ભારતીય ટીમ ૧૯૦ રનનું લક્ષ્ય હાંસલ કરી શકી નહીં. એ મેચમાં ભારતના ૧૦માંથી આઠ બેટ્સમેન કેચઆઉટ થયા. એમાંથી ચાર બેટ્સમેન વિકેટની પાછળ કેચઆઉટ થયા. એ મેચમાં એવું લાગી રહ્યું હતું કે ભારતીય બેટ્સમેનોએ વચ્ચે કેચઆઉટ થવાની જાણે કે રેસ લાગી હતી અને એવું વિચારીને આવ્યા હતા કે આજે તો બસ કેચઆઉટ જ થવું છે.

ભારતના ચાર બેટ્સમેન – રહાણે, કોહલી, દિનેશ કાર્તિક અને કેદાર જાધવ વિન્ડીઝના વિકેટકીપર શાઇ હોપને પોતાનો કેચ આપી બેઠા, એમાંથી રહાણેએ તો સારી ઇનિંગ્સ રમી, પરંતુ બાકીના બેટ્સમેનોએ તો પોતાનું નાક જ કપાવી નાખ્યું. વિરાટ કોહલી (૩), કાર્તિક (૨) અને જાધવ (૧૦)ના કેચ શાઇ હોપે ઝડપ્યા હતા. આ ઉપરાંત શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની, રવીન્દ્ર જાડેજા અને મોહંમદ શામી પણ કેચઆઉટ થયા, જોકે આ બધાના કેચ મેદાનની અલગ અલગ પોઝિશન પર પકડવામાં આવ્યા.
http://sambhaavnews.com/

You might also like