ટીમ ઇન્ડિયા પાસે હવે ૧-૦ બાદ ૧૦-૦ની તક

મુંબઈઃ બાંગ્લાદેશ સામે એકમાત્ર ટેસ્ટમાં જીત હાંસલ કરી ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે પણ ૪-૦ના પરિણામની આશા જગાવી છે. જો આ શ્રેણીમાં વિરાટ કોહલીની સેના ૪-૦થી જીત હાંસલ કરશે તો તે એક રીતે ૧૦-૦ થઈ જશે. કારણ એ છે કે ઓસ્ટ્રેલિયા ભારતની ધરતી પર પાછલી છ ટેસ્ટ મેચ હારી ગઈ છે.

શ્રીલંકામાં સરેન્ડર કર્યું હતું
ગત વર્ષે શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણીમાં જે રીતે સરેન્ડર કરી દીધું હતું તેના પરથી જ ભારત સામેની વર્તમાન શ્રેણીનાં પરિણામની ઝલક દેખાવા લાગી હતી. શ્રીલંકામાં ૩-૦નો વ્હાઇટ વોશ ઓસ્ટ્રેલિયા જેવી ટીમના સન્માનને બહુ ખરાબ રીતે ડરાવવા માટે પૂરતો હતો, પરંતુ સત્ય તો એ છે કે ઉપમહાદ્વીપમાં સ્પિન બોલિંગ સામે કાંગારુંઓનો સંઘર્ષ હવે દરેક માટે એક સામાન્ય વાત થઈ ચૂકી છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી માટે આનાથી સારી વાત કઈ હોઈ શકે?

ભારતમાં જ નહીં, એશિયામાં આવતાં જ ડર લાગે છે
ઓસ્ટ્રેલિયા ભારતમાં પાછલી ૧૦માંથી આઠ ટેસ્ટ હાર્યું છે. સ્પિન બોલિંગ ઓસ્ટ્રેલિયાને સમગ્ર એશિયામાં પરેશાન કરે છે, પરંતુ આ મુશ્કેલી અચાનક નથી આવી. વર્ષ ૨૦૦૨થી ૨૦૦૬નો સમય ઓસ્ટ્રેલિયા માટે એશિયામાં તેનો સુવર્ણ યુગ રહ્યો. એ દરમિયાન ૧૨ ટેસ્ટમાંથી કાંગારુંઓએ ૧૦ ટેસ્ટમાં જીત હાંસલ કરી હતી અને ફક્ત એક જ મેચમાં પરાજય થયો હતો, જ્યારે ૨૦૦૭થી ૨૦૧૧ વચ્ચે સાતમાંથી તેઓ એક જ ટેસ્ટ જીતી શક્યા છે, એ પણ શ્રીલંકામાં. ૨૦૧૨ બાદથી તો ઓસ્ટ્રેલિયનોનું એશિયામાં જાણે કે પતન જ થઈ ચૂક્યું છે. શ્રીલંકા સામે ગત વર્ષે ૩-૦ની હાર સાથે હવે ઓસ્ટ્રેલિયાએ એશિયામાં રમેલી બધી જ ૧૧ ટેસ્ટ ગુમાવી દીધી છે.

ઇતિહાસ કાંગારુંઓને બહુ જ પરેશાન કરશે
૧૯૬૯થી શરૂ કરીને ૨૦૦૪ સુધી ઓસ્ટ્રેલિયાને ભારતીય ધરતી પર એક પણ ટેસ્ટ શ્રેણી જીતવા મળી નહોતી. સમય એવો આવ્યો કે ૨૦૦૧માં સ્ટીવ વોએ ભારતમાં જીતને ‘ફાઇનલ ફ્રન્ટિયર’ કહી હતી. તેઓ પાસે શાનદાર ટીમ હતી, શાનદાર બેટ્સમેન અને શાનદાર બોલર હતા, પરંતુ એ ટીમ પણ સૌરવ ગાંગુલીની સેના સામે ૨-૧થી નતમસ્તક થઈ ગઈ હતી. ૨૦૦૪માં છેવટે એડમ ગિલક્રિસ્ટે ઓસ્ટ્રેલિયાને ભારતમાં જીત અપાવી હતી, જ્યારે નિયમિત કેપ્ટન રિકી પોન્ટિંગ પહેલી ટેસ્ટ બાદ પ્રવાસમાંથી બહાર થઈ ગયો. જોકે સ્પિન સામે કાંગારુઓની નબળાઈને જોતાં એ સ્પષ્ટ છે કે વર્તમાન પ્રવાસ પર કાંગારું ભારતમાં કદાચ જ કોઈ ચમત્કાર દેખાડી શકશે.
http://sambhaavnews.com/

You might also like