ધોરણ-12નાં પેપર તપાસવામાં શિક્ષકોએ 5742 છબરડા કર્યા

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માર્ચમાં લીધેલી ધો. ૧૨ની પરીક્ષામાં ઉત્તરવહીની ચકાસણીમાં કુલ ૫,૭૪૨ ભૂલ પકડાઈ છે. ટોટલ મારવા જેવી સામાન્ય ભૂલો સહિતની અન્ય ભૂલો બહાર આવતા તમામ પરીક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. પરીક્ષકોના જવાબી ખુલાસા બાદ બોર્ડ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરશે, પરંતુ સામાન્ય ભૂલો વિદ્યાર્થીઓનું ભાવિ ધમરોળી શકે છે.

માર્ચ ૨૦૧૮માં સામાન્ય પ્રવાહમાં અંદાજે ૬.૦૦ લાખ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓએ ધો. ૧૨ની પરીક્ષા આપી હતી. ત્યાર બાદ બોર્ડ દ્વારા પેપર ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી. ઉત્તરવહી તપાસાઈ ગયા પછી વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર થાય છે.

કમ્પ્યૂટરમાં પરિણામ તૈયાર કરતાં પહેલાં સોફ્ટવેર દ્વારા ઉત્તરવહીઓનું ક્રોસ ચેકિંગ કરાયું હતું. જેમાં ૫,૭૪૨ પરીક્ષકોએ છબરડા કર્યા હોવાનું બહાર આવતાં જ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને આ બાબત ગંભીરતાપૂર્વક લેવાય તે માટે નિર્ણય લેવાયો હતો.

હાલમાં બોર્ડ દ્વારા પરીક્ષકને પેપર ચકાસણી માટે ધો. ૧૦ માટે રૂ. ૫ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે રૂ. ૬.૫૦ અને સામાન્ય પ્રવાહ ધો. ૧૨ માટે રૂ. ૭ ઉત્તરવહી દીઠ ચૂકવવામાં આવે છે. પરીક્ષકોએ કરેલા છબરડાની માત્રાના આધારે બોર્ડ દ્વારા તેમને આર્થિક દંડ કરવાનો નિર્ણય લેવાયો છે તે પ્રમાણે એક માર્કની ભૂલ દીઠ પરિક્ષક પાસેથી રૂ. ૧૦૦ની વસૂલાત કરાશે. તેથી હવે કેટલાક કિસ્સાઓના શિક્ષકને મળતા વળતર કરતાં દંડની રકમ વધી જશે.

ધો. ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની ઉત્તરવહીઓની ચકાસણીમાં જુદા જુદા પ્રકારની ભૂલો જોવા મળી છે. મોટા ભાગના કેસમાં મુખ્ય ભૂલો તમામ પ્રશ્નો અને પેટા પ્રશ્નોનું ટોટલ કરવાનું હોય છે. શિક્ષકોએ ટોટલ કરવામાં ૧૦ માર્કસથી ૨૩ માર્ક્સની ભૂલો કરી હોવાનું જાણવા મળે છે. છબરડા કરનારા શિક્ષકો પૈકી ૮૦ શિક્ષકો એ તો સરવાળા કરવામાં ૧૦ કે તેનાથી વધુ માર્કસની ભૂલો કરી છે.

આ વર્ષે શિક્ષણ બોર્ડ કડક બન્યું છે. બોર્ડની જોગવાઈ મુજબ પરીક્ષક ૧ માર્ક્સની ભૂલ કરે તો રૂ. ૧૦૦ દંડ થાય છે. તેવી જ રીતે બે ભૂલના રૂ. ૨૦૦ આમ ૧૦૦ના ગુણાંકમાં દંડની રકમ વધતી જાય છે.

You might also like