શિક્ષકથી શિક્ષણમંત્રી સુધીની સફર

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે, ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પ્રલય ઔર નિર્માણ ઇન કી ગોદ મેં પલતે હૈ.’ શિક્ષક તરીકે કારકિર્દીની શરૃઆત કરનારાં શિક્ષણમંત્રી બને તે બધાના નસીબમાં નથી હોતું. ગુજરાતના રાજકારણમાં નજર કરીએ તો એવા કેટલાક નેતાઓ જણાઈ આવે છે કે, જેઓ પહેલાં શિક્ષક હતા, બાદમાં રાજકારણમાં પ્રવેશ્યા. આ નેતાઓ એથી પણ આગળ વધીને શિક્ષણમંત્રીના હોદ્દા સુધી પણ પહોંચ્યા. ગુજરાતનાં હાલનાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ લાંબો સમય સુધી શિક્ષણમંત્રી રહી ચૂક્યાં છે. તેઓએ કારકિર્દીની શરૃઆત એક શિક્ષક તરીકે કરી હતી. તો સરકારનાં હાલનાં બંને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વસુબહેન ત્રિવેદી પણ શિક્ષક હતાં.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અમદાવાદની મોહિની બા કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં પ્રિન્સિપાલ સુધી પહોંચ્યાં હતાં. બાદમાં રાજકારણમાં પ્રવેશ કર્યો અને ધારાસભ્ય બનતાંની સાથે જ તેમને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણમંત્રી બનાવ્યાં હતાં. અંદાજે ૩૦ વર્ષ સુધી તેઓએ ગુજરાતી માધ્યમની મોહિની બા કન્યા શાળામાં ફરજ બજાવી હતી. આજે તો ગુજરાતી માધ્યમની મોહિની બા શાળા બંધ થઈ ચૂકી છે, તેને બદલે અંગ્રેજી માધ્યમની શાળા ચાલુ છે.

ગુજરાતી શાળા ઘણાં વર્ષ પહેલાં બંધ થઈ ગઈ હોઈ શાળા કેમ્પસમાં આનંદીબહેન સાથે જોડાયેલું કોઈ જોવા મળતું નથી. જોકે કેટલાક કિસ્સા જાણીતા છે. આનંદીબહેન શિક્ષક હતાં ત્યારે નર્મદા ડેમના પ્રવાસ દરમિયાન ડૂબતી વિદ્યાર્થિનીને તેમણે બચાવી હતી. આ માટે તેમને ‘બે્રવરી’ ઍવોર્ડ પણ મળ્યો હતો. આનંદીબહેનને ‘બેસ્ટ શિક્ષક’ તરીકેનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

આનંદીબહેન પટેલનું શિક્ષણ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામની કન્યા શાળામાં થયું હતું. ધોરણ આઠ સુધી તેઓ વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં ભણ્યાં. જ્યાં તેઓ ૭૦૦ છોકરાઓની વચ્ચે એકમાત્ર છોકરી હતાં. ૧૯૬૦માં તેમણે વિસનગરની એમ.જી. પંચાલ વિજ્ઞાન મહાવિદ્યાલયમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

બાદમાં મહિલા વિકાસ ગૃહ શરૃ કરીને પચાસથી પણ વધુ વિધવા બહેનો માટે રોજગારલક્ષી તાલીમ આપી. ૧૯૬૫માં અમદાવાદમાં આવ્યાં અને અનુસ્નાતકનો અભ્યાસ શરૃ કર્યો. બાદમાં બી.એડ્. અને એમ.એડ્. પણ પૂર્ણ કર્યું. ૧૯૭૦માં તેઆ મોહિની બા કન્યા વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક તરીકે જોડાયાં. તે સમયે મોહિની બા શાળાની અમદાવાદની ખ્યાતનામ શાળાઓમાં ગણના થતી હતી.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
સરકારના વર્તમાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પ્રારંભે ધોળકાની બી.પી. દાવડા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ૧૯૭૦થી ૧૯૭૩ સુધી શિક્ષક રહ્યા, બાદમાં શિક્ષક પદેથી રાજીનામું આપીને એલએલબીનો અભ્યાસ શરૃ કર્યો અને સાથે સાથે રાજકારણમાં પણ જોડાયા. તેઓ અંગ્રેજીના શિક્ષક હતા. ધોળકાની આ શાળામાં ભૂપેન્દ્રસિંહની અનેક યાદો જોડાયેલી છે. તેઓ વિદ્યાર્થીઓનેે શાંતિ અને ધીરજથી સાંભળતા અને સમજાવતા હતા તથા વિદ્યાર્થીઓની સામાજિક અને આર્થિક ચિંતાનો ખ્યાલ રાખતા હતા.

૧૯૭૨માં સાબરમતી નદીમાં પાણી આવ્યું ત્યારે અનેક વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શક્યા ન હતા. આવા વિદ્યાર્થીઓ પાછળ ન રહી જાય તેના માટે તેમણે પ્રોક્સી વર્ગો શરૃ કર્યા હતા. વિદ્યાર્થીઓને શિક્ષણ સિવાયની તકલીફમાં પણ તેઓ મદદ માટે તૈયાર રહેતાં. તેમના સમય દરમિયાન આચાર્ય રહેલા અને બાદમાં બાવળાના ધારાસભ્ય બનેલા ગોવિંદભાઈ ચૌહાણ કહે છે, ‘ભૂપેન્દ્રસિંહ ત્રણ વર્ષ સુધી અમારી શાળાના શિક્ષક રહ્યા. વિદ્યાર્થીઓને અંગ્રેજીના વિષયમાં રુચિ વધે તે માટે તેઓ પ્રયત્નશીલ રહેતા.’

ભૂપેન્દ્રસિંહના વિદ્યાર્થી રહી ચૂકેલા અશોક મણિલાલ કાછિયા પટેલ કહે છે, ‘વિદ્યાર્થીઓ તેમને પ્રેમથી ગુરુજી તરીકે સંબોધતા. તેઓએ ક્યારેય વિદ્યાર્થીઓ માટે સોટીનો ઉપયોગ કર્યો નથી. કોઈના ઘરની પરિસ્થિતિ નબળી હોય તો અંગત પ્રશ્નો પણ હલ કરી આપતાં. મારી સાથેનો એક વિદ્યાર્થી સાત દિવસ સુધી શાળાએ ન આવતાં સાહેબને જણાયું કે, તેની પાસે બસભાડાના પૈસા નથી ત્યારે સાહેબે કોઈને ખ્યાલ ન આવે તે રીતે તેને પાસ કઢાવી આપ્યો હતો.’

બી.પી. દાવડા સ્કૂલ આજે ધોળકા વિસ્તારમાં પ્રખ્યાત છે. આ શાળાએ ભૂપેન્દ્રસિંહ સહિત ચાર રાજનેતા આપ્યા છે. ગોવિંદભાઈ ચૌહાણ બાવળાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તો શાળાના ટ્રસ્ટી હરિશચંદ્ર પટેલ સરખેજના ધારાસભ્ય હતા અને કેશુભાઈ પટેલની સરકારમાં ગુજરાત વિધાનસભાના સ્પિકર હતા. હરિશચંદ્રના અવસાન બાદ તેમના પુત્ર વિજય પટેલ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા અને રાજેશ ખન્નાને હરાવ્યા હતા.

શાળાના મંત્રી હસમુખભાઈ મોદી કહે છે, ‘અમારી શાળાનો મુખ્ય ધ્યેય સંસ્કાર સાથેનું શિક્ષણ છે. અહીંથી રાજનેતા, ડૉક્ટર અને એન્જિનિયર નીકળ્યા તેમનાં ઉદાહરણ થકી અમે બાળકોને સારો મેસેજ આપીએ છીએ.’ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે શાળાના માર્ગદર્શક ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. તેઓ શાળાના કાર્યક્રમમાં હાજરી પણ આપે છે.

વસુબહેન ત્રિવેદી
જામનગર સ્થિત એ.કે. દોશી મહિલા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચૂકેલાં વસુબહેન ત્રિવેદી હાલમાં ગુજરાત સરકારમાં રાજયકક્ષાનાં શિક્ષણમંત્રી છે. શિક્ષક તરીકેના વસુબહેનના કાર્યકાળ દરમિયાન તેમની સાથે ફરજ બજાવી ચૂકેલા કર્મચારીઓ અને તેમના હાથ નીચે શિક્ષણ મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓ શિક્ષકદિન નિમિત્તે તેમને કેવી રીતે યાદ કરી રહ્યા છે તે જાણીએ.

કોલેજના પ્રિન્સિપાલ હસમુખભાઈ પડિઆ કહે છે, ‘૧૯૭૬થી ૨૦૧૧ દરમિયાન વસુબહેન કોલેજમાં હોમ-સાયન્સનાં પ્રોફેસર હતાં ત્યારે હું કોમર્સનો પ્રોફેસર હતો. તેમની સાથેના પારિવારિક સંબંધો ઘણા ગાઢ રહ્યા છે, જ્યારે પણ હું કોલેજના કામ અર્થે ગાંધીનગર જાઉં તો તેમને ચોક્કસ મળું છું. હું છેલ્લે વસુબહેનને મળ્યો ત્યારે તેમણે કોલેજમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અને કોલેજની દીકરીઓને વિધાનસભાની મુલાકાત માટે લઈ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તેમના વિચારો હંમેશાં ઉચ્ચ હોય છે અને તેથી જ કોર્પોરેશને બદલે સીધા વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યાં.

૧૯૯૬માં તેઓ ત્રણ માસ માટે કોલેજનાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પણ રહી ચૂક્યાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોમ-સાયન્સ ફેકલ્ટીનાં ડીન, સિન્ડિકેટ સભ્ય, ગ્રંથ નિર્માણ બોર્ડ અને પ્રવાસ નિગમનાં ચૅરમેન તરીકેની જવાબદારી પણ સુપેરે સંભાળી હતી. વસુબહેન એક સફળ શિક્ષિકા સાથે કડક માતા પણ હતાં અને પુત્ર દક્ષ અને પુત્રી આવાને જાહેરમાં ઠપકો આપતાં કદી અચકાતા નહોતાં.’

કોલેજમાં હોમ-સાયન્સ ફેકલ્ટીનાં ડીન ડૉ. વર્ષાબહેન છીછીયા કહે છે, ‘મેં ૩૧ વર્ષ સુધી વસુબહેન સાથે નોકરી કરી છે અને મારી કેળવણીમાં તેમનો સિંહફાળો છે. હું મૂળ મધ્યપ્રદેશની છું. કોલેજમાં પ્રોફેસર તરીકે કારકિર્દીની શરૃઆત કરી ત્યારે ગુજરાતી ભાષાની સમસ્યા નડતી હોઈ મેં નોકરી છોડવાનો નિર્ણય કર્યો હતો. જોકે તે સમયે વસુબહેને મને પ્રેરણાબળ પૂરું પાડીને મારી ભાષાની સમસ્યાઓ દૂર કરી હતી.’

વસુબહેન પાસે ભણેલા અને પછી સહકર્મી તરીકે ફરજ બજાવી ચૂકેલાં મનિષાબહેન ખખ્ખર કહે છે, ‘ભણતરની સાથે સમાજમાં સ્ત્રીના યોગદાન અંગે અમને શીખવ્યું છે.’ મૂળ જામનગરનાં અને હાલ રાજકોટમાં રહેતાં ગૃહિણી નમ્રતાબહેન દવે કહે છે, ‘વસુબહેને અભ્યાસ સાથે સમાજમાં સ્ત્રી તરીકેનું ઉત્તરદાયિત્વ સમજાવ્યું. જેથી અમારું શિક્ષણનું સ્તર સુધર્યું. સાથે-સાથે સામાજિક જવાબદારીનું પણ ભાન થયું.’ તો હોમ-સાયન્સનાં અન્ય એક પ્રોફેસર ભાવનાબહેન રાંચ કહે છે, ‘તેઓ પ્રખર શિસ્તના હિમાયતી હતાં. સમાજમાં સ્ત્રીનું મૂલ્ય સમજાવવા તમામને ‘સાત પગલાં આકાશમાં’ પુસ્તક વાંચવા કહ્યું હતું.’

શિક્ષણમંત્રી વસુબહેન ત્રિવેદી કહે છે, ‘શિક્ષક તરીકે સમાજ અને રાષ્ટ્ર બંનેનો વિચાર કરવો પડે છે. જ્ઞાન, ચારિત્ર્ય અને એકતાના સંકલ્પ સાથે વિદ્યાર્થી પરિષદમાં જોડાઈ હતી, બાદમાં પ્રોફેસર તરીકેની ભૂમિકા ભજવી હતી અને હવે પ્રધાન તરીકેની ભૂમિકા ભજવી રહી છું. મહિલા શિક્ષણ મોરચો અને બોર્ડ-નિગમમાં પણ જવાબદારી નિભાવી છે. મારું લક્ષ્ય શિક્ષણનો સર્વાંગી વિકાસ અને વિદ્યાર્થીઓના ચારિત્ર્ય નિર્માણનું છે. આજે શિક્ષણમંત્રીનું પદ મળતાં ખુશી અનુભવું છું.’

માહિતીઃ દેવસી બારડ, ગૌતમ શ્રીમાળી-અમદાવાદ, કેવલ દવે-રાજકોટ

You might also like