નિર્દય મહિલા ટીચરે પાંચ વર્ષના માસૂમને સ્ટીલની ફૂટપટ્ટીથી ફટકાર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં હોમવર્ક નહીં કરવા જેવી સામાન્ય બાબતે એક મહિલા ટીચરે 5 વર્ષના ફૂલ જેવા બાળકને સ્ટીલની ફૂટપટ્ટીથી અત્યંત નિર્દયતાપૂર્વક મારવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટીચરે તે હદે બાળકને માર્યો છે કે તેના ચહેરા અને પીઠ પર રીતસરના સોળ પડી ગયાં છે.

નરોડા- નિકોલ રોડ પર આવેલા પૂજન બંગલોઝમાં રહેતા અને અગરબત્તીનો બિઝનેસ કરતા દીપેનભાઇ પટેલનાં પત્ની સમાબહેન પટેલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મહિલા ટીચર વિરુદ્ધમાં પોતાના 5 વર્ષના માસૂમ બાળકને ફૂટપટ્ટીથી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હતી.

નિકોલ વિસ્તારમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલમાં સિનિયર કેજીમાં આયુષ પટેલ ભણે છે. સ્કૂલનાં ક્લાસ ટીચર શ્રીજા પિલ્લાઇ (રહે. ઓમકારવન સોસાયટી, નવા નરોડા) જોડે 10 દિવસ પહેલાં પ્રાઇવેટ ટ્યૂશન ક્લાસ શરૂ કરાવ્યા હતા. રોજેરોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી શ્રીજા પિલ્લાઇના ધરે આયુષ ટ્યૂશન કરવા માટે જતો હતો. તારીખ 16 નવેમ્બરના રોજ લેશન નહીં લઇ જવા બાબતે શ્રીજા પિલ્લાઇએ આયુષને સ્ટીલની ફૂટપટ્ટીથી માર્યો હતો અને ઘરે નહીં કહેવાના મુદ્દે ધમકી આપી હતી. શ્રીજા પિલ્લાઇએ નિર્દયતાથી આયુષને માર્યો હતો કે તેના મોઢા અને પીઠ ઉપર સોળ પડી ગયા હતા. આ બનાવ બન્યો તે દિવસે બિઝનેસના કામથી મુંબઇ જવાનું થયું હતું.

આયુષને આપેલી ધમકીના કારણે તેણે ઘરમાં કોઇને કહ્યું નહીં, પરંતુ મોડી રાત સુધી આયુષ રડ્યા કરતા હતો. તેની માતા સમાએ પૂછ્યું તો પણ કશું જ કહ્યા વગર ચુપચાપ રહેતો હતો. આ મામલે દીપેનભાઇએ સમભાવ મેટ્રો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું છે કે તારીખ 17ના રોજ જ્યારે આયુષને કપડાં બદલાવવા માટે સમાએ પૂછ્યું તો તેણે કપડાં બદલાવવા માટેની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેની બહેન આયુષીએ આયુષનાં કપડાં બદલાવ્યાં ત્યારે તેની પીઠ પર સોળનાં નિશાન જોયાં હતાં.

આયુષને પૂછ્યું ત્યારે તેણે કોઇ જવાબ નહીં આપતાં સમાબહેને ટ્યૂશનમાં આવતાં અન્ય બાળકોનાં માતાપિતાને ફોન કરીને પૂછ્યું હતું, જેમાં આયુષ સહિત અન્ય બાળકોને શ્રીજાએ માર્યાં હોવાનું સામે આવ્યું હતું. ગઇ કાલે સવારે દિપેનભાઇ ઘરે આવતાં સમા તથા તેમની દીકરી આયુષીએ તેમને જાણ કરી હતી. સાંજે શ્રીજા વિરુદ્ધમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આયુષને માર મારવાના મામલે ફરિયાદ કરી હતી. પોલીસે શિક્ષિકા શ્રીજાની ધરપકડ કરી હતી.

You might also like