શિક્ષિકાની મેટરનિટી લીવ હવે સર્વિસ બ્રેક નહીં ગણાય

અમદાવાદ: મહિલા વિદ્યાસહાયકને ૧૮૦ દિવસની મેટરનિટી લીવ (રજા) મળે છે, જોકે આ રજા અંગે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે ૧૮૦ દિવસની મેટરનિટી લીવ સર્વિસ બ્રેક નહીં ગણાય. રાજ્યમાં આશરે ૪૦,૦૦૦ મહિલા વિદ્યાસહાયક ફરજ બજાવી રહ્યાં છે. આ વિદ્યાસહાયકોને ૧ર રજા સિવાય અન્ય કોઇ લાભ મળતા નથી, પરંતુ તેમને મેટરનિટી લીવનો લાભ અન્ય સામાન્ય કર્મચારીઓની માફક મળે છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં મેટરનિટી લીવને સર્વિસ બ્રેક ગણવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી હતી, જેના પરિણામે મહિલા વિદ્યાસહાયકને પૂરા પગારમાં સમાવેશ કરતી વખતે મેટરનિટી લીવની રજાઓ જેટલા દિવસોની નોકરી કર્યા બાદ જ પાંચ વર્ષની નોકરી પૂર્ણ ગણવામાં આવતી હતી.

રાજ્ય સરકાર સમક્ષ આ ગૂંચવણ અંગે રજૂઆતો થતાં સરકાર દ્વારા મુલ્કી સેવા નિયમ ર૦૦ર અનુસાર મહિલા વિદ્યાસહાયકની ૧૮૦ દિવસની મેટરનિટી લીવને મંજૂર કરવા રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે મહિલા વિદ્યાસહાયકની મેટરનિટી લીવને સર્વિસ બ્રેક ગણવી નહીં અને તેની કરારીય સમયગાળામાં ગણતરી કરવી નહીં.

You might also like