વિધાનસભા તરફ શિક્ષકોની કૂચ રાજ્યભરમાં અનેકની અટકાયત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો શિક્ષકોની પોલીસે અટકાયત કરી છે. વિધાનસભાના ઘેરાવના પગલે વહેલી સવારથી ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યની તમામ જગ્યાએ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે સમગ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે રાજ્યના સવા બે લાખ શિક્ષકો આજથી હડતાળ પર ઊતરશે તેમજ શિક્ષકોએ આજે એક દિવસની રજા રાખી છે, જેમાં અમદાવાદ જિલ્લાના ૭ હજારથી વધુ શિક્ષકો પણ જોડાયા. શિક્ષકોની પડતર માગણીઓને લઈ આજે રાજ્યભરના શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે વહેલી સવારથી નીકળ્યા હતા, જેમાં પોલીસે તમામની અટકાયત કરી છે. શિક્ષકોએ વિધાનસભા ઘેરાવના મામલે કરેલી જાહેરાત બાદ આજે વહેલી સવારથી ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે.

ગાંધીનગર જવાના તમામ રસ્તા પર પોલીસે બે‌િરકેડ લગાવીને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ચારે તરફ કિલ્લેબંધી કરી દીધી છે. સવારથી વિધાનસભાનો ઘેરાવ કરવા માટે નીકળેલા હજારો શિક્ષકોની પોલીસે અટકાયત કરી હતી અને તેમને કરાઇ એકેડેમી ખાતે લઇ જવામાં આવ્યા હતા. રાજ્યમાં કોઇ હિંસક કૃત્ય થાય નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓએ તમામ શિક્ષકોની અટકાયત કરવાના આદેશ પણ આપ્યા હતા.

ગાંધીનગર સિવાય રાજ્યમાં પણ પોલીસે ઠેરઠેર બંદોબસ્ત ખડકી દીધો હતો. વિધાનસભા ઘેરાવ માટે નીકળેલા તમામ શિક્ષકોની વિવિધ જગ્યાએથી અટકાયત કરવામાં આવી રહી છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે પણ સવારથી પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ગાંધીનગર જતાં વાહનોને રોકીને તેના ચાલક તેમજ કારમાં બેઠેલા તમામની પૂછપરછ કરી હતી અને તેમની પાસે શિક્ષકનું આઇડીકાર્ડ છે કે નહીં તે ચેક કર્યું હતું. મળતી માહિતી મુજબ વૈષ્ણોેદેવી સર્કલ પાસેથી પોલીસે ૧પ કરતાં વધુ શિક્ષકોની અટકાયત કરી છે. આ સિવાય નાના ચિલોડા તેમજ ગાંધીનગર જવાના તમામ રસ્તા પર પોલીસે નાકાબંધી કરી દીધી હતી.

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની વિધાનસભાને ઘેરાવ કરવાની ચીમકીના પગલે પોલીસ સતર્ક બની છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કોઈ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. આમ, છતાંય પ્રાથમિક શિક્ષકોએ ગાંધીનગર આવવાનો પ્રયત્ન કરતાં તેમની અટકાયત કરવામાં આવી છે.

પોલીસ દ્વારા રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોની યાદી કે જેઓ ગાંધીનગર આવી શકે તેવી સંભાવના છે તે જાહેર કરી છે. આવા શિક્ષક નેતાઓની રસ્તામાંથી જ અટકાયત કરવાનાં પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. ગાંધીનગર જતા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના શિક્ષકોને પોલીસે ડિટેઈન કર્યા છે, જેમને પાટણ શહેર બી-‌િડ‌િવઝન પોલીસ મથકે રાખવામાં આવ્યા છે.

ઘેરાવ માટે દાહોદથી ગાંધીનગર જઈ રહેલા ૩૦ શિક્ષકોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના એક હજારથી વધુ શિક્ષકોએ પડતર પ્રાથમિક પ્રશ્નોને લઈ ગાંધીનગર તરફ કૂચ કરી હતી. મોડાસાથી ગાંધીનગર તરફ ખાનગી ગાડીમાં રવાના થયેલા શિક્ષકોને અટકાવાયા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાયડ તાલુકાના રપથી વધુ શિક્ષકોની અટકાયત કરાઈ છે.

વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના પ૩૦૦થી વધુ શિક્ષકો આજે સામૂહિક રજા પર ઊતર્યા છે, જેમાં મોટા ભાગના શિક્ષકોને ‌િડટેઇન કર્યા છે. ગીર સોમનાથના રપ જેટલા ‌િશક્ષકોની સુત્રાપાડા પોલીસે અટક કરી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને તેમના હોદ્દેદારોની મોડી રાતે પોલીસે અટકાયત કરીને આંદોલન તોડી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યભરની ૩પ હજાર શાળાના શિક્ષકો આજે એક દિવસની હડતાળ પર જતાં શાળાઓમાં ફરજિયાત રજા રાખવી પડી છે. લાખો વિદ્યાર્થીઓ આજે શિક્ષકોની રજાના કારણે અભ્યાસથી વંચિત રહેશે.

રાજ્યની ૩પ હજાર જેટલી સરકારી શાળાઓમાં બે લાખથી વધુ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. ૧૯૯૭થી ફિક્સ પગાર શિક્ષકોની નોકરી સળંગ ગણવા શિક્ષક સંઘ દ્વારા માગ કરાઇ છે. ર૦૦૬ પછીના કર્મચારીઓની નોકરી સળંગ ગણવાની માગનો ઉકેલ નહીં આવતાં શિક્ષકોએ આજે માસ સીએલ પર ઊતર્યા છે.

શિક્ષક સંઘનાં સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે અગાઉ આ ‌શિક્ષકોની નોકરી સળંગ કરવા કહ્યું હતું, પરંતુ હજુ સુધી તેનો ઉકેલ આવ્યો નથી. ફેબ્રુઆરીથી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો ધરણાં કરવાં, કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શિત કરીને કામ કરવા સહિતનાં વિરોધ આંદોલન કરી રહ્યા છે. છેવટે સરકાર સાથેની તેમની વાટાઘાટનો સુખદ અંત નહીં આવતાં આજે રાજ્યભરના શિક્ષકો એક દિવસીય સીએલ ઉપર ઊતરીને હડતાળ પર ઊતર્યા છે.

વાર્ષિક પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૧ થી ૬નાં ૧૦ લાખથી વધુ બાળકો અભ્યાસથી વંચિત રહેશે. શાળાઓમાં ફરજિયાત બંધનો માહોલ છે. શાળાઓનાં પરિસર સૂમસામ છે. વાલીઓએ પણ બાળકોને આજે શાળાઓમાં મોકલવાનું મુનાસીબ માન્યું નથી.

You might also like