શિક્ષકોના ભાઈ, ભત્રીજા કે ભાણિયા હવે ઉત્તરવહી ચેક નહીં કરી શકે

અમદાવાદ:  અમદાવાદ જિલ્લાની ૮૩૧થી વધુ પ્રાથમિક શાળાઓમાં ૧૯મીથી પ્રથમ સત્ર પરીક્ષા યોજાઇ રહી છે, જે ર૪મીએ પૂર્ણ થઇ રહી છે. ત્યારબાદ આ વિદ્યાર્થીઓની પરીક્ષાની ઉત્તરવહી હવે શિક્ષકોના ઘરવાળા પુત્ર કે પુત્રી ચકાસી શકશે નહીં, કારણ કે શિક્ષણ વિભાગના આદેશ મુજબ શિક્ષકોએ હવે પોતાની શાળાના વર્ગોના વિદ્યાર્થીઓની ઉત્તરવહીની શાળામાં જ ચકાસણી કરવી પડશે. અગાઉ શિક્ષકો ઉત્તરવહી ચકાસવા માટે ઘરે લઇ જતા હોવાથી તેમનાં કુટુંબીજનો દ્વારા પણ ચકાસણી થતી હોવા ઉપરાંત ઉત્તરવહીમાં ગરબડ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી તેના પગલે વિભાગે આ નિર્ણય લેવો પડ્યો છે. અમદાવાદની શાળાઓમાં ર.પ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શિક્ષકો ઉત્તરવહી ઘરે નહીં લઇ જઇ શકે એટલું જ નહીં, પરંતુ ધો.૬થી ધો.૮ની પરીક્ષાની ઉત્તરવહીની વ્યવસ્થા વિદ્યાર્થીઓએ કરવાની રહેશે, તેમાંય ઉત્તરવહીના એકસરખા કાગળ હોય તેનું ધ્યાન શાળાના આચાર્ય અને શિક્ષકોએ રાખવું રહેશે.

જોકે આ અંગેનું ભંડોળ જે તે જિલ્લા પંચાયત કે કોર્પોરેશન હસ્તકની શાળામાં હોય તે પ્રમાણે વ્યવસ્થા થાય છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને પંચાયત હસ્તકની શાળાઓમાં ઉત્તરવહી તેમના ભંડોળમાં નિઃશુલ્ક આપવામાં આવે છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં પંચાયત પાસે ભંડોળ ન હોવાના કારણે ઉત્તરવહીદીઠ દોઢથી બે રૂપિયા ઉઘરાવવામાં આવે છે. ધો.૬થી ધો.૮માં ભાષાના દસ માર્ક્સ અને અન્ય વિષયના ૧૬ માર્ક્સના સવાલ એમસીક્યુ પ્રકારના રહેશે. આ ૧૬ માર્ક્સના પ્રશ્નોના જવાબ ઓએમઆર શીટમાં લખવાના રહેશે, જે શિક્ષણ સમિતિ પ્રશ્નપત્રની સાથે ફાળવશે.

પરીક્ષા દરમિયાન કોઇ પણ શિક્ષકે મોબાઇલ સાથે રાખવાની મનાઇ છે, જોકે શિક્ષણ વિભાગના તાજેતરના આદેશ મુજબ શાળામાં શિક્ષકોને મોબાઇલ વાપરવાની મનાઇ ફરમાવાઇ છે. શિક્ષકોએ અે પણ ધ્યાન રાખવું પડશે કે કોઇ પણ વિદ્યાર્થી પરીક્ષા શરૂ થયાની શરૂઆતની ૩૦ મિનિટમાં કલાસરૂમ છોડીને જાય નહીં.

પરીક્ષા દરમિયાન ધો.૧ અને રનું શિક્ષણકાર્ય ચાલુ રહેશે. સુપરવિઝનમાં ન રહેલા તમામ શિક્ષકોએ ઉત્તરવહી ઘરે ન લઇ જતાં શાળામાં જ તપાસવાની રહેશે એટલું જ નહીં, પરીક્ષામાં કોઇ ગેરરી‌િત ન થાય તેવી રીતે વ્યવસ્થા આચાર્યએ ગોઠવવાની રહેશે, નહીં તો તેની જવાબદારી ફિક્સ કરવામાં આવશે. શિક્ષકો ઉત્તરવહી ચકાસી લે પછીની પાંચ ટકા ઉત્તરવહીની રેન્ડમ ચકાસણી ફરી વાર આચાર્યએ કરવી પડશે. શિક્ષણ વિભાગે નિયમના પાલનનો આદેશ તો જાહેર કરી દીધો છે, તેનું પાલન કેટલા પ્રમાણમાં થશે તે પરીક્ષાનો સમય બતાવશે.

આ અંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી એન. પી. મહેતાએ જણાવ્યું હતું કે પરીક્ષાનો સમય ર થી ૩ કલાકનો હોય છે. પરીક્ષા પૂરી થયા પછી બાકીના સમયમાં શિક્ષકો ફ્રી હોય છે, માટે શાળામાં જ ઉત્તરવહી ચકાસવાનો આગ્રહ રાખવામાં આવે છે. ઉપરાંત અમે યુનિક ક્વો‌િલટીની ઉત્તરવહી અમદાવાદ જિલ્લાની શાળામાં અમે નિઃશુલ્ક આપીએ છીએ.

You might also like