સદાબહાર ચાનું સદાબહાર બજાર

‘જેની ચા બગડી, તેનો દિવસ બગડ્યો’, આપણી આ દેશી કહેવત આપણા રોજિંદા જીવનમાં ચાનું મહત્ત્વ સમજાવી જાય છે. વિશ્વમાં જેટલા દેશો બ્રિટિશ શાસન હેઠળ હતા ત્યાં ચાનું ચલણ ખૂબ વધારે જોવા મળે છે. આમ પણ બ્રિટિશર્સ ટી એન્ડ સ્પાઈસીઝના ટૅગ હેઠળ જ તેમના વેપારનાં મંડાણ કરતાં. મોટાભાગના ચાના બગીચા ચીન, ભારત, તાઈવાન અને શ્રીલંકામાં આવેલા છે. અહીંનાં વિવિધ ટી-એસ્ટેટમાં બનતી ચા વિશ્વભરમાં પહોંચે છે.

કેમેલિયા સિનેસિસ નામના છોડના પાંદડાંઓમાંથી બનતું પીણું એટલે ચા. ઈ.સ. પૂર્વે ૨૭૦૦ની સાલની આસપાસ ચીનમાં શોધાયેલી ચાની ગણતરી વિશ્વનાં સૌથી જૂનાં પીણાંઓમાંથી એક તરીકે કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સની સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશનના એક અહેવાલ મુજબ સમગ્ર વિશ્વમાં દર વર્ષે અંદાજે ૬૦,૦૦,૦૦૦ ટન ચાનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાંથી ૫૮,૦૦,૦૦૦ ટનનો ઉપયોગ કરવામાં આવે છે. ચીન, ભારત, પાકિસ્તાન, જાપાન તેમજ યુરોપિયન યુનિયનના દેશો ચાના ઉપયોગમાં મોખરે છે. ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આસામ, દાર્જિલિંગ, તેરાઈ, કાચર, પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો, કેરળ, તમિલનાડુ તેમજ કર્ણાટકના કેટલાક પર્વતીય વિસ્તારોમાં ચાના બગીચા આવેલા છે, ભારતમાં ચાના વાવેતર હેઠળનો કુલ વિસ્તાર ૫૬૪ હેક્ટર છે. એક અહેવાલ પ્રમાણે ભારતમાં ૧૨૦૮ મિલિયન કિલો ચાનું ઉત્પાદન થાય છે.

ભારતમાં સામાન્ય રીતે મોટાભાગનાં ઘરોમાં ડસ્ટ કે ચાની ભૂકી કહેવાય તેમાંથી ચા બનાવવામાં આવે છે. ચાના બજારમાં તેને ‘બ્લેક-ટી’ તરીકે ઓળખવામાં આવે છે. હાલ વિશ્વમાં તેમજ ભારતમાં બ્લેક-ટી, ઈન્સ્ટન્ટ-ટી તેમજ ગ્રીન-ટીનું બજાર મોખરે છે.

ગુજરાતના શહેરમાં ગુંજતું નામઃ ટી-પોસ્ટ
ગુજરાતના લગભગ શહેરોમાં હાલ ‘ટી-પોસ્ટ’ નામનું એક આઉટલેટ જોવા મળે છે. સાધારણ દુકાન કે કીટલીના ભાવે ચા તેમજ રેસ્ટોરાં જેવું વાતાવરણ અને વાઈ-ફાઈ આ આઉટલેટની વિશિષ્ટતા તેમજ યુએસપી છે. ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનમાં આ ચેઈનનાં કુલ ૯૦ આઉટલેટ છે. જેમાંથી વડોદરા અને રાજકોટનાં બે આઉટલેટ વુમન ઓરિએન્ટેડ છે, જેમાં સંચાલકથી લઈને તમામ કર્મચારીઓ મહિલા જ છે.

ટી પોસ્ટના સ્થાપક દર્શન દશાણી કહે છે, ‘ચાના દાણાના વેપાર સાથે તેમજ ઈ-લર્નિંગના વ્યવસાય સાથે હું વર્ષોથી જોડાયેલો છું. વાત ૨૦૧૦ની છે , મુંબઈની એક હોટેલમાં નાસકોમનો એક સેમિનાર હતો, ઘણાં જાણીતા ઉદ્યોગપતિઓની હાજરી હતી. ત્યાં બે પ્રકારની ચા ઑફર કરવામાં આવતી હતી. જે લોકોને ટેબલ પર ચા જોઈતી હોય તેમને ટી-બેગવાળી ચા અપાતી હતી. જ્યારે આપણાં ઘરોમાં જેનું ચલણ છે તેવી ઉકાળેલી ચા પીવી હોય તો તે વ્યક્તિએ ઊભા થઈ એક જગમાંથી ચા લઈ લેવાની. વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ પણ ટેબલ પરથી ઊભા થઈ તે જગમાં રહેલી ચા પીવાનું પસંદ કર્યું હતું. ત્યારે એક વાત સાબિત થઈ હતી કે એક ભારતીય વ્યક્તિ ગમે તેટલો આગળ પહોંચે તેની પસંદ-નાપસંદ ગમે તેટલી બદલાય, ઘર જેવી ઉકાળેલી ચા તેની જરૂરિયાત રહેવાની જ છે. અંતે ૨૦૧૩માં રાજકોટના કાલાવડ રોડ પર અમારી જ માલિકીનું એક ટી-પોસ્ટ શરૂ કરી અમે અમારા વિચારને અમલમાંં મૂક્યો.’

પ્રીમિયમ ચાનું પણ અનોખું બજાર
સામાન્ય રીતે ઘરોમાં વપરાતી ચાને ડસ્ટ અથવા બ્રોકન લીફ તરીકે ઓળખવામાં આવે છે. જેને ગુજરાતી ભાષામાં ચા-પત્તી કે ભૂકી તરીકે ઓળખવામાં આવે છે. ચાનાં પાંદડાં તેમાં અડધાં તેમજ ભાંગી ગયેલાં હોવાથી અન્ય પ્રીમિયમ ચાની સરખામણીમાં તેની કિંમત ઓછી હોય છે.

પ્રીમિયમ ટીનો ઉપયોગ કરનાર એક સીમિત વર્ગ છે. અત્યાર સુધી આ વર્ગના લોકો વિદેશથી આ પ્રકારની ચા મગાવતા હતા અથવા વિદેશપ્રવાસ દરમિયાન ત્યાંથી ચા ખરીદી લાવતા હતા. પ્રીમિયમ ટીના બજારમાં કેટલીક જાણીતી કંપનીઓ પણ હવે પ્રવેશી છે. જોકે અમદાવાદમાં ‘કિટલરી’ નામનું એક આઉટલેટ પ્રીમિયમ ચાના વેચાણ માટે જ ખોલવામાં આવ્યું છે. જેમાં કીટલરીના સ્થાપક સંદીપ કોટેચા કહે છે કે, ” ભારત, ચીન, તાઈવાન તેમજ શ્રીલંકાના બગીચાઓમાંથી ચાની ખરીદી કરી અને ભારત તેમજ ઇંગ્લેન્ડ, યુએસએ, સિંગાપોર તેમજ અન્ય કેટલાક દેશોમાં અમારાં ઉત્પાદનો વેચીએ છીએ.”

પ્રીમિયમ ચાનું ૫૦ ગ્રામનું પેકેટ પણ રૂપિયા ૪૦૦થી શરૂ થાય છે. ડસ્ટ ચા કરતાં પ્રમાણમાં તે થોડી મોંઘી પણ હોય છે. આ વાત પર પ્રતિક્રિયા આપતાં સંદીપ કોટેચા કહે છે કે, “પ્રીમિયમ ચા પ્રમાણમાંં થોડી મોંઘી હોય છે એ વાત સાચી, પરંતુ તમે જો ગણતરી કરો તો પ્રીમિયમ ચાના ૫૦ ગ્રામના એક પેકેટમાંથી આશરે ૨૦થી ૨૫ કપ ચા બની શકે છે.

તે હિસાબે એક કપ ચા ૧૫થી ૨૦ રૂપિયામાં પડે. બહાર કીટલીમાં કે લારીમાં મળતી ચા પણ ૧૦ રૂપિયા કે ૧૨ રૂપિયાની હોય છે. તે ચા ડસ્ટ ચા કે ભૂકીમાંથી બનાવેલી હોય છે. કપના હિસાબે કિંમતની ગણતરી કરીએ તો આ ચા તેટલી મોંઘી ન કહી શકાય. .”ભલે પ્રીમિયમ ચા પાસે એક સીમિત બજાર હોય પરંતુ ધીમેધીમે લોકોમાં તેનો પ્રચાર અને પ્રસાર વધી રહ્યો છે.

વાઘબકરી હવે ટી-લૉન્જના બજારમાં
ચાની પત્તીના બજારમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અગ્રેસર નામ એટલે વાઘબકરી ચા. આ બ્રાન્ડના નામ હેઠળ હવે ટી-લૉન્જ પણ ખૂલ્યાં છે. અમદાવાદ, મુંબઈ, ગોવા અને દિલ્હીના અમુક વિસ્તારોમાં બ્રાન્ડેડ કૉફી આઉટલેટની જેમ ચા પીરસવાની પહેલ વાઘબકરીએ કરી છે.
વાઘબકરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈ કહે છે કે, “ચાના વેપાર સાથે અમે છેલ્લી ચાર પેઢીથી સંકળાયેલા છીએ. નવી પેઢી અને સમયની માગ સાથે અમે ચા પીરસતાં આઉટલેટ્સ શરૂ કર્યાં છે, કારણ કે કૉફીનાં આઉટલેટ્સની સંખ્યા ભલે વધુ જોવા મળતી હોય પરંતુ ભારતીય લોકોની પહેલી પસંદ તો ચા જ છે. વિસ્તાર પ્રમાણે ચાના પ્રકાર ભલે બદલાતા હોય પરંતુ ચા એ દરેક ભારતીયની જરૂરિયાત છે. અમે પણ હવે બ્લેક ટી સિવાય ગ્રીન-ટી, ફુલ લીફ-ટી, હર્બલ-ટી તેમજ વિવિધ ફ્લેવર ધરાવતી ચાની રેન્જ શરૂ કરી છે જેથી તમામ ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકાય.”
સી.સોમાભાઈની ચા તમામ રેન્જમાં
ગુજરાતમાં ચાની વિવિધ બ્રાન્ડ્સમાં સી.સોમાભાઈની ચા પણ જાણીતું નામ છે. તમામ વર્ગના લોકોની પસંદ અને બજેટને અનુરૂપ ચાની રેન્જ આપવી એ આ બ્રાન્ડની ખાસિયત છે. વર્ષ ૧૯૪૮માં અમદાવાદના ગાંધી રોડ પર આ નામ હેઠળની ચા વેચાવાની શરૂઆત થઈ હતી. કંપનીના ડિરેક્ટર કેતન પટેલ કહે છે કે, “બ્લેન્ડિંગ એ સૌથી મહત્ત્વની પ્રક્રિયા છે. સફળ બ્લેન્ડિંગ જ નિયમિત ગ્રાહકો ટકાવી રાખે છે તેમજ નવા ગ્રાહકો આકર્ષે છે. ચાના છોડની માવજત, ચૂંટવી, પ્રોસેસ, બ્લેન્ડિંગ તેમજ સ્ટોરેજ સુધીની તમામ પ્રક્રિયાઓમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે, નહીંતર તેમાંથી તેના મૂળભૂત ગુણધર્મો નષ્ટ થતા સમય નથી લાગતો.”
ચાને ભલે કેટલાંક લોકો સામ્યવાદી પીણું કહી તેને સામાન્ય ગણતાં હોય કે પછી તેમાં નિકોટીન હોય છે તેમ કહી તેના દોષ બતાવતા હોય પરંતુ ચા એ સરેરાશ ભારતીય વ્યક્તિના રોજિંદા જીવનનું અભિન્ન અંગ છે તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.

You might also like