ટીડીઓ અને વન અધિકારી સહિત આઠ સરકારી બાબુઓ લાંચના છટકામાં ઝડપાયા

અમદાવાદ: રાજ્યના લાંચ રુશવત વિરોધી બ્યૂરોએ જુદાં જુદાં શહેરોમાં છટકાં ગોઠવી ટીડીઓ, વન અધિકારી, મામલતદાર સહિત આઠ સરકારી બાબુઓને લાંચની રકમ લેતાં આબાદ ઝડપી લઇ અા અંગે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાંચ રુશવત વિરોધી બ્યૂરોના જણાવ્યા અનુસાર સૂત્રાપાડાના સસ્પેન્ડ તલાટી કમ મંત્રી બાબુભાઇ ગામિતનું જીવન નિર્વાહ અને પેન્શનનું બિલ પાસ કરવા માટે ટીડીઓ જે.ડી. અગ્રાવતે રૂ.૬૦,૦૦૦ની માગણી કરી હતી. આ અંગે તલાટીએ એસીબીમાં ફરિયાદ કરતાં પોલીસે છટકું ગોઠવી ટીડીઓને લાંચની રકમ લેતા આબાદ ઝડપી લીધા હતા. જ્યારે કચ્છના ગાંધીધામમાં લાકડાના પરિવહનની પરમિટ આપવા માટે વન વિભાગના અધિકારી આર. એન. ગોસાંઇને પણ રૂ.૩પ૦ની લાંચ લેતાં પોલીસે ઝડપી લીધા હતા અને ભૂજના નાયબ મામલતદાર મહેન્દ્ર પલણે મહેસૂલી કામની પતાવટ માટે એક વ્યકિત પાસે રૂ.૧પ,૦૦૦ની લાંચની માગણી કરી આ રકમ સ્વીકારતાં આબાદ ઝડપી લેવાયા હતા.

આ ઉપરાંત ઊંઝાના એએસઆઇ બિપીન પરમારે એક દેવીપૂજક પરિવારના સભ્યોને જામીન ન લઇ કેસની પતાવટ કરવા માટે રૂ.પ,૦૦૦ની લાંચ માગી હતી. આ અંગે ફરિયાદી ભૂપતભાઇએ અમદાવાદ એસીબીમાં જાણ કરતાં પોલીસે છટકું ગોઠવી આ એએસઆઇને ઝડપી લીધા હતા. જસદણ તાલુકાના વીજ હેલ્પર અને અન્ય એક કર્મચારીને વાડીમાં વીજ કનેકશન અપાવવા માટે રૂ.૧૦,૦૦૦ની લાંચ લેતા પોલીસે ઝડપી લઇ પોલીસે ગુનો દાખલ કર્યો છે. તેમજ ભૂજના ખાવડા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ સુધાકર રજતને દર્દી પાસેથી રૂ.૩૦ની લાંચ લેતા પોલીસે ઝડપી લીધા હતા તથા જામનગર જિલ્લા પંચાયતના જુનિયર કલાર્ક હરીશ મહેતાને રૂ.૬,૦૦૦ની લાંચ લેતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like