કરદાતાઓને ટેક્સ બિલની સાથે આધાર કાર્ડના સેન્ટરની યાદી મળશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૨૦૧૧ની વસતી ગણતી ગણતરી મુજબના ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને આધાર કાર્ડ આપવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ખાસ ઝુંબેશ હેઠળ તંત્ર દ્વારા કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સની બિલની સાથે આધાર કાર્ડની પત્રિકા પણ પહોંચતી કરવાનું છે.

શહેરની કુલ ૬૦ લાખની ૨૦૧૧ની વસતીને ધ્યાનમાં લેતાં આજની સ્થિતિએ ૧૮ વર્ષથી ઉપરના આશરે પાંચ લાખ નાગરિકો આધાર કાર્ડથી વંચિત છે. રાજ્ય સરકારના એક આદેશ મુજબ આગામી તા.૩૦ ઓકટોબરની પહેલા આવા તમામ નાગરિકોને આધાર કાર્ડ કાઢી આપવાના છે. જેના કારણે તંત્રમાં દોડધામ મચી છે.

કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં શૂન્ય વર્ષથી ઉપરના તમામ નાગરિકોને આશરે ૪૯ લાખ આધાર કાર્ડ કાઢી અપાયાં છે. આધાર કાર્ડ કાઢવાની ખાસ ઝુંબેશ સાથે સાત એજન્સી સંકળાઈ છે. જોકે હવે સત્તાવાળાઓ આ કામગીરીને વધુ ગતિશીલ બનાવવા પ્રોપર્ટી ટેક્સ બિલની સાથે કરદાતાઓને આધાર કાર્ડની પત્રિકા પણ આપવા જઈ રહ્યા છે.

હાલમાં કરદાતાઓમાં પ્રોપર્ટી ટેક્સની બિલ રહેણાક મિલકતોનાં બિલ વહેંચાઈ રહ્યાં હોઈ આગામી સોમવારથી આ બિલની સાથે આધાર કાર્ડની માહિતી પત્રિકા પણ સામેલ કરાશે. મ્યુનિ. સત્તાવાળાઓએ પાંચ લાખથી વધુ આધાર કાર્ડની માહિતી પત્રિકા પ્રસિદ્ધ કરી છે. જેમાં આધાર કાર્ડની ઉપયોગીતા તેમજ શહેરમાં સ્થિતિ ૪૮ નોંધણી કેન્દ્રોનાં નામ- સરનામાંની યાદીનો સમાવેશ કરાયો છે.

જોકે આધાર કાર્ડની નોંધણી ઝુંબેશ હેઠળ હજુ પણ નોંધણી કેન્દ્રોના સમયમાં ખાસ વધારો થયો નથી. તેમજ શહેરભરમાં ૧૨૫ કિટ કાર્યરત હોવા છતાં દરરોજ એક કિટ દીઠ પચાસ આધાર કાર્ડ કાઢવા લક્ષ્યાંકને મેળવવામાં પણ તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. આગામી દિવસોમાં માહિતી પત્રિકાને આધારે જે તે કેન્દ્ર પર નાગરિકોનો ધસારો વધશે તેવા સંજોગોમાં તંત્રની ધીમી કામગીરી અને નોંધણી કેન્દ્રોના રાબેતા મુજબના સમયથી નાગરિકોની હાડમારીમાં જ વધારો થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

You might also like