મહેસાણા નજીક આવેલી મોઢેરા ચોકડી પાસે વેપારીનું અપહરણ કર્યા બાદ કરપીણ હત્યા

અમદાવાદ: પોતાની કારમાં જઇ રહેલા સિદ્ધપુરના એક વેપારીનું મોઢેરા ચોકડી પાસેથી ગઇ રાત્રે અજાણ્યા શખસોએ અપહરણ કર્યા બાદ હત્યા કરી લાશને ઊંઝાના ઉનાવા નજીક ફેંકી દઇ કાર સહિતની માલમતાની લૂંટ ચલાવતા આ ઘટનાએ સનસનાટી મચાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, સિદ્ધપુરમાં રેડિમેઇડ કપડાનો શો-રૂમ ધરાવતા ૩પ વર્ષીય સંજયભાઇ સુંદરલાલ મુલાણી નામના વેપારી ગઇકાલે બપોર બાદ પોતાની કારમાં મહેસાણા ખાતે ખરીદી કરવા આવ્યા હતા. ધંધાકીય કામકાજ અને ખરીદી કરી સંજયભાઇ મોડી રાત્રે ૧૧-૩૦ વાગ્યાના સુમારે કારમાં સિદ્ધપુર પરત જવા નીકળ્યા હતા.

ત્યારે મોઢેરા ચોકડી પાસે ઊભેલા બે શખસોએ કાર ઊભી રખાવી સંજયભાઇ પાસે લિફટ આપવા વિનંતી કરી હતી. આથી સંજયભાઇએ બંનેને કારમાં લિફટ આપી હતી. કાર થોડે દૂર ગયા બાદ કારમાં બેઠેલા બે અજાણ્યા શખસોએ સંજયભાઇની ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશને ઊંઝા નજીક આવેલા ઉનાવા રોડ પર અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી.

ગુનેગારો કાર અને અન્ય માલમત્તાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. સંજયભાઇની લાશ આજે સવારે લોહીલુહાણ હાલતમાં મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. સંજયભાઇ ઠક્કર પરિવારનો એકનો એક પુત્ર હોવાનું જાણવા મળે છે. પોલીસે ખૂન અને લૂંટનો ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

You might also like