હવે ૨૦ લાખ સુધીની કરમુક્ત ગ્રેચ્યૂઈટી

નવી દિલ્હી: આજે રૂ. ૨૦ લાખ સુધીની કરમુક્ત ગ્રેચ્યુઇટીની રકમને મંજૂરી મળી જશે. હવે કરમુક્ત ગ્રેચ્યુઇટીની મર્યાદા રૂ. ૧૦ લાખથી વધારીને રૂ. ૨૦ લાખ કરવામાં આવશે. આ માટે પેમેન્ટ ઓફ ગ્રેચ્યૂઇટી એક્ટમાં સુધારો કરવો પડશે.
કેન્દ્રીય કેબિનેટ આ દરખાસ્ત પર આજે વિચારણા કરનાર છે અને આને સંબંધિત વિધેયકમાં એક વધુ સુધારો કરવામાં આવનાર છે. તેના દ્વારા કેન્દ્ર સરકારને માત્ર નોટિફિકેશન દ્વારા જ આ મર્યાદામાં ફેરફાર કરવાની સત્તા અને અધિકાર પ્રાપ્ત થશે. આ વખતે સંસદની મંજૂરી લેવી નહીં પડે.

શ્રમ મંત્રાલયના એક ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ સુધારા બાદ ફોર્મલ સેક્ટરના કર્મચારીને રૂ. ૨૦ લાખ સુધીની ગ્રેચ્યૂઇટીની રકમ પર ટેક્સ ચૂકવવો નહીં પડે. ગયા મહિને શ્રમ મંત્રાલય સાથેની બેઠકમાં કર્મચારી સંઘોએ આ દરખાસ્ત પર પોતાની મંજૂરી આપી દીધી હતી. કર્મચારી સંઘોએ ઓછામાં ઓછા ૧૦ કર્મચારી અને પાંચ વર્ષની નોકરીની શરત રદ કરવાની પણ માગણી કરી હતી. અત્યારે ગ્રેચ્યૂઇટી માટે ઓછામાં ઓછી પાંચ વર્ષની નોકરી હોવી જરૂરી છે. કરમુક્ત ગ્રેચ્યૂઇટીની મર્યાદા વધારવાના નિર્ણયનો અમલ ૧-૧-૨૦૧૬થી કરાશે.
http://sambhaavnews.com/

You might also like