રિવરફ્રન્ટનાં ‘ન્યૂસન્સ’ સામે હવે તવાઈઃ મહિનામાં ૨૫ પીધેલા પકડાયા

અમદાવાદ: જો હવે તમે સાબરમતી રિવરફ્રન્ટ પર દારૂ પીને ફરો છો, રિવરફ્રન્ટ રોડ પર બેફામ ગતિએ બાઈક ચલાવી સ્ટન્ટ કરો છો તો થઈ જજો સાવધાન, કારણ કે સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે આવાં અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

રિવરફ્રન્ટ પર જાહેરમાં બીભત્સ વર્તન કરતાં પ્રેમીપંખીડાંઓ સામે પણ પોલીસે સખતાઇ શરૂ કરી છે. રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે છેલ્લા એક મહિનામાં રિવરફ્રન્ટ વિસ્તારમાં રપ લોકો વિરુદ્ધ દારૂ પીધેલાનો અને બે વ્યક્તિ સામે દારૂ રાખવા અંગેના ગુના નોંધ્યા છે.

ઉપરાંત જાહેરમાં બીભત્સ વર્તન કરતાં પ્રેમીપંખીડાંની સામે પણ જીપી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ન્યૂસન્સ બનેલ સાબરમતી રિવરફ્રન્ટની છાપ સુધારવા માટે રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે કવાયત શરૂ કરી છે.

શહેરની આગવી ઓળખ એવા સાબરતી રિવરફ્રન્ટ પર મોટા ભાગે મોડી રાતે તેમજ દિવસના સમયે દારૂડિયાઓ ગાડીમાં અથવા બાઇક પર રિવરફ્રન્ટનાં ખુલ્લાં મેદાન પાસે આવેલી પાળી પાસે દારૂની મહેફિલ માણતા હોવાનું રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસ સ્ટેશનનાં મહિલા પીઆઈ એમ. એ. સિંઘના ધ્યાને આવ્યું હતું. દારૂ પીવાની પ્રવૃત્તિ, પ્રેમીપંખીડાંઓ દ્વારા જાહેરમાં બીભત્સ વર્તન ઉપરાંત એકલદોકલ યુવક-યુવતીઓને લૂંટી લેવાના બનાવોના પગલે રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે.

છેલ્લા એક મહિનામાં જ પોલીસે દારૂ પીધેલાના રપ અને દારૂની બોટલ સાથે ઝડપાવવાના બે કેસ કર્યા છે. રિવરફ્રન્ટ પર મોડી રાતે બેસવા આવતા એકલદોકલને છરી બતાવી લૂંટી લેવાના બનાવો પણ સામે આવ્યા છે, જેથી હવે મોડી રાત સુધી પોલીસે વાહનચે‌કિંગ પણ હાથ ધર્યું છે.

થોડા દિવસ પહેલાં પોલીસ વોક-વે પર પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક વ્યક્તિ નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરવા જતી હતી, પરંતુ પોલીસની સતર્કતાના કારણે તેનો જીવ બચી ગયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.એ.સિંઘે જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ પર અનેક યુવક-યુવતીઓ બેસવા માટે આવે છે. પરંતુ તેઓ દ્વારા જાહેરમાં બીભત્સ વર્તન પણ કરે છે.

રિવરફ્રન્ટની સામેના ભાગે કેટલાક સ્થાનિક લોકો પણ રહે છે. તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે યુવક-યુવતીઓ રોડ પર બેસી જાહેરમાં બીભત્સ વર્તન કરતા હોય છે. જેથી આવા બીભત્સ વર્તન કરતાં યુવક-યુવતીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે. પોલીસ દ્વારા જ્યારે આવાં યુવક-યુવતીઓને ઝડપી પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અને તેમનાં માતા-પિતાને પણ બોલાવવામાં આવે છે.

માતા-પિતા પોતાનાં સંતાનોને સમજાવવાની જગ્યાએ પોલીસ રિવરફ્રન્ટ પર બેસતા લોકોને હેરાન કરે છે તેવો આક્ષેપ કરતા હોય છે. છેલ્લા ઘણા સમયથી સાબરમતી રિવરફ્રન્ટની છાપ ન્યૂસન્સ માટેની જગ્યા બની ગઈ છે, જેથી આ છાપને સુધારવા અને રિવરફ્રન્ટ પર આવતા લોકોની સુરક્ષા માટે પોલીસે પ્રયાસ શરૂ કર્યાે છે. સાબરમતી રિવરફ્ર્ન્ટ પર મ્યુનિસિસપલ કોર્પોરેશન દ્વારા સિક્યોરિટી મૂકવામાં આવી છે.

કેટલાક સિકયોરિટી ગાર્ડ્સ ખુદ મોડી રાતે દારૂના નશામાં ધૂત થઇને પડ્યા હોય છે, જેથી પોલીસે આવા સિક્યોરિટી ગાર્ડ્સની સામે પણ દારૂ પીવા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

You might also like