મુંબઇ: ટાટા સન્સે છેલ્લા એક અઠવાડિયામાં ઓપન માર્કેટમાં ટાટા મોટર્સના ૨.૬ કરોડ શેર ખરીદ્યા છે. આ ખરીદી પહેલા ટાટા મોટર્સનો શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ ધકેલાઇ ગયો હતો.
છેલ્લા એક દાયકામાં નફાની બાબતમાં ટાટા મોટર્સના સૌથી ખરાબ દેખાવના કારણે શેર પિટાઇ ગયો હતો. જગુઆર એન્ડ લેન્ડ રોવર સામે વધતા જતા પડકારના કારણે ટાટા મોટરના શેર પર દબાણ વધ્યું છે.
આ શેર ગઇ સાલ ૬ નવેમ્બરે બાવન સપ્તાહની સૌથી વધુ ૪૬૬.૯૫ની સપાટીએથી ૪૮ ટકા ગગડીને ૧૩ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ રૂ. ૨૪૩.૨૫ની સપાટી પર આવી ગયો હતો. ૧૩ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ વચ્ચે ટાટા સન્સે ઓપન માર્કેટમાંથી રૂ. ૭૦૦ કરોડના ૨.૬ કરોડ શેર ખરીદ્યા છે.
વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ પ્રમોટર્સ તરફથી સંસ્થાગત રોકાણકારોને એવો સંકેત છે કે તેમનો શેર ખૂબ અંડરવેલ્યૂડ થઇ ગયો છે.
જ્યારે કોઇ કંપનીના સ્પોન્સરરને સંપૂર્ણ વિશ્વાસ હોય છે કે માર્કેટ તેમના અંડરલાઇન બિઝનેસની ફેર વેલ્યૂને ઓછી આંકી રહ્યું છે ત્યારે ઓપન માર્કેટથી કંપનીના શેરની જોરદાર ખરીદી કરીને તેનો જવાબ અપાય છે.
તેનાથી સંસ્થાગત રોકાણકારોને એવો પણ સંકેત અપાય છે કે પ્રમોટર્સની કંપનીની ગ્રોથ સ્ટોરી પર સંપૂર્ણ વિશ્વાસ છે અને મીડિયામ ટર્મમાં કંપનીના રોકાણકારોને સારો રિવોર્ડ આપશે. કંપનીને એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન રૂ. ૧૮૬૩ કરોડની ખોટનો સામનો કરવો પડ્યો હતો.