યુઅેસમાં ફાયરિંગ કરનાર તશ્ફીન ભારત આવવા નીકળી હોવાનો ખુુલાસો

કેલિફોર્નિયા: યુઅેસના સેન બર્નાર્ડિનોમાં ગત સપ્તાહમાં ફાયરિંગ કરનારા દંપતી અંગે ખુલાસો થયો છે, જેમાં અેક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મહિલા હુમલાખોર તશ્ફીન મલિક ગત ૬ ઓકટોબર, ૨૦૧૩ના રોજ સાઉદી અરબથી ભારત આવવા માટે રવાના થઈ હતી. આ ખુલાસા બાદ હરકતમાં આવેલી ભારત સરકારે ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટના રેકોર્ડ તપાસ્યા હતા, પરંતુ તે અંગે કોઈ જ રેકોર્ડ નથી.

અેક અંગ્રેજી અખબારે સાઉદી અરબના ઈન્ટી‌િરયર મંત્રાલયના પ્રવકતા મનસૂર તુર્કીઅે આપેલી માહિતીના આધારે આ સમાચાર આપ્યા છે. અધિકારીના જણાવ્યા અનુસાર તશ્ફીન ગત ૮ જૂન, ૨૦૧૩ના રોજ પાકિસ્તાનથી સાઉદી અરબ પહોંચી હતી અને ૬ ઓકટોબરે તે ત્યાંથી ભારત જવા નીકળી હતી, જોકે સાઉદી અરબ પાસે તશ્ફીન ભારત પહોંચી કે નહિ અથવા ભારતમાં તેણે ક્યાં અને કેટલો સમય વીતાવ્યો તે અંગે કોઈ માહિતી નથી.

આ અંગે તુર્કીઅે જણાવ્યું છે કે અમારા રેકોર્ડ મુજબ મહિલા હુમલાખોરનું પૂરું નામ તશ્ફીન મલિક ગુલઝાર અહેમદ મલિક છે. ઓકટોબર-૨૦૧૩માં અેક જ સમયે લગભગ પાંચ દિવસ માટે તશ્ફીન અને તેનો પાર્ટનર ફારુક સાઉદી અરબમાં જ હતા. ફારુક પણ બે વખત સાઉદી અરબ ગયો હતો. તપાસમાં અેેવું જાણવા મળે છે કે આ બંનેની મુલાકાત ઓનલાઈન ડેટિંગથી થઈ હતી. ત્યાર બાદ તેઓઅે સાઉદી અરબમાં લગ્ન કરી લીધાં હતાં. અમેરિકાન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ યુગલ જુલાઈ-૨૦૧૪માં અમેરિકા જવા રવાના થયું હતું અને ત્યારથી તેઓ સાથે રહે છે. આ અગાઉ તશ્ફીન ભારત ગઈ હોવાની સંભાવના છે.

You might also like