તર્પણ તથા શ્રાદ્ધમાં કદી પણ શંકા દાખવવી નહીં

ગરુડે કહ્યું : “હે સ્વામી! પરલોકથી આવીને આ પૃથ્વી પર શ્રાદ્ધમાં ભોજન કરતા પિતૃઓને કોઈએ જોયા છે ખરા?”
શ્રી ભગવાને કહ્યુંઃ “હે ગરુડ! સાંભળો. દેવી સીતાનું ઉદાહરણ છે. જે રીતે સીતાજીએ પુષ્કર તીર્થમાં પોતાના સસરા વગેરે ત્રણ પિતૃઓને શ્રાદ્ધમાં નિમંત્રિત બ્રાહ્મણના શરીરમાં પ્રવિષ્ટ થયેલા જોયા હતા એ વિશે હું કહી રહ્યો છું.”
હે ગરુડ! પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને જ્યારે શ્રીરામ વનમાં ચાલ્યા ગયા ત્યારે એમણે એકવાર સીતા સાથે પુષ્કર તીર્થની યાત્રા કરી. તીર્થમાં પહોંચીને એમણે શ્રાદ્ધ કરવાનો પ્રારંભ કર્યો. જાનકીજીએ એક પાકેલા ફળને રાંધીને રામજી સમક્ષ મૂક્યું.
શ્રાદ્ધ કર્મમાં દીક્ષિત પ્રિયતમ શ્રીરામજીની આજ્ઞાથી પોતે દીક્ષિત થઈને સીતાજીએ એ ધર્મનું સમ્યક્ પાલન કર્યું. એ વખતે સૂર્ય આકાશ મંડળની મધ્યમાં પહોંચી ગયા અને કુતુપમુહૂર્ત (દિવસનું આઠમું મુહૂર્ત) આવી ગયું હતું.
શ્રીરામજીએ જે ઋષિઓને નિમંત્રિત કર્યા હતા તેઓ બધા ત્યાં આવી ગયા હતા. આવેલા એ ઋષિઓને જોઈને વિદેહરાજનાં પુત્રી જાનકીજી શ્રીરામજીની આજ્ઞાથી અન્ન પીરસવા માટે ત્યાં આવ્યા પરંતુ બ્રાહ્મણોની વચ્ચે જઈને તેઓ તરત ત્યાંથી દૂર ચાલ્યાં ગયાં અને લતાઓની વચ્ચે છુપાઈને બેસી ગયા.
સીતાજી એકાંતમાં છુપાઈ ગયાં છે એ વાત જાણીને શ્રીરામજીએ વિચાર કર્યો કેઃ
‘બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સાધ્વી સીતા લજ્જાને કારણે ક્યાંક ચાલ્યા ગયાં હશે. પહેલાં હું આ બ્રાહ્મણોને ભોજન કરાવી દઉં પછી સતીની શોધ કરીશ.’ આમ વિચારી શ્રીરામજીએ પોતે એ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ભોજન પછી એ શ્રેષ્ઠ બ્રાહ્મણોના ચાલ્યા ગયા પછી શ્રીરામજીએ પોતાની પ્રિયતમા સીતાને કહ્યું કે :
‘બ્રાહ્મણોને જોઈને તમે લતાઓની પાછળ કેમ છુપાઈ ગયાં? હે તન્વાંગી! તમે આનું સંપૂર્ણ કારણ વિના વિલંબે મને કહેા.’
શ્રીરામજીએ આમ કહ્યું ત્યારે સીતાજી મુખ નીચે કરીને સામે ઊભાં રહી ગયાં અને પોતાનાં નેત્રોથી આંસુ વહાવતા શ્રીરામજીને કહેવા લાગ્યાંઃ
‘હે નાથ! મેં અહીં જે પ્રકારનું આશ્ચર્ય જોયું એ વિશે આપ સાંભળો. હે રાઘવ! આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના અગ્ર ભાગમાં મેં આપના પિતાનાં દર્શન કર્યા. તેઓ સઘળાં આભૂષણોથી સુશોભિત હતા. એ જ પ્રમાણેના બીજા બે મહાપુરુષો પણ એ વખતે મને જોવામાં આવ્યા. આપના પિતાને જોઈને હું આપને કહ્યા વિના એકાંતમાં ચાલી ગઈ હતી.’
હે પ્રભો! વલ્કલ અને મૃગચર્મ ધારણ કરેલી હું રાજા (દશરથ)ની સમક્ષ કેવી રીતે જઈ શકું? હે શત્રુ પક્ષના વીરોનો વિનાશ કરનારા પ્રાણનાથ! હું આપને આ સત્ય કહી રહી છું.
મારા હાથે રાજાને હું એ ભોજન કેવી રીતે આપી શકું કે જેમના દાસોના દાસ પણ કદી એવું ભોજન નહોતા કરતા? ઘાસના પાત્રમાં એ અન્નને મૂકીને હું કેવી રીતે એમને આપું? હું એ જ છું કે જે પહેલાં બધા જ પ્રકારનાં આભૂષણોથી સુશોભિત રહેતી હતી અને રાજા મને એવી સ્થિતિમાં જોઈ ચૂક્યા હતા. આજે એ જ હું કેવી રીતે રાજાની સમક્ષ જઈ શકું? હે રઘુનંદન! આથી જ મનમાં આવેલી લજ્જાને કારણે હું પાછી વળી ગઈ.’•

You might also like