તર્પણ માટેનાં તીર્થોમાં શ્રદ્ધાળુઓને હાલાકી

પવિત્ર શ્રાવણ માસની સમાપ્તિ સાથે જ તેના છેલ્લા દિવસ એટલે કે અમાવસ્યાથી જ પિતૃતર્પણ માટેેના દિવસોની શરૂઆત થઈ જાય છે. ભાદરવો માસ શરૂ થતાં જ રાજ્યનાં તર્પણ સ્થળોએ

પૂર્વજો અને પિતૃઓનું ઋણ ચૂકવવા માટે તર્પણ કરાવવા શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. ભાદરવા માસના છેલ્લા પંદર દિવસ એટલે કે શ્રાદ્ધ પક્ષમાં તો પિતૃતર્પણનું વિશેષ મહત્ત્વ હોય છે. આમ, લગભગ આખા ભાદરવા માસમાં રાજ્યમાં ચાણોદ, જૂનાગઢના દામોદર કુંડ, સિદ્ધપુરના બિંદુ સરોવર, વેરાવળના પ્રાચી તથા ત્રિવેણીસંગમ સહિતનાં તીર્થસ્થળો પર ભાવિકોની ભારે ભીડ જામે છે. રાજ્યનાં મોટાભાગનાં તર્પણ સ્થળોએ હાલ તર્પણ માટે ઉમટી રહેલા શ્રદ્ધાળુઓને અસુવિધાઓના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે.

ગુજરાતમાં તીર્થસ્થળોના વિકાસ માટે સરકાર દ્વારા કરોડોની યોજનાઓ જાહેર કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર વાસ્તવિકતા જુદી જ જોવા મળે છે. સ્વચ્છ ભારત મિશનના નામે રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે, પરંતુ તીર્થસ્થળોમાં ગંદકીના થર જામેલા હોય છે. તર્પણ સ્થળોએ શ્રદ્ધાળુઓને નાકનું ટીચકું ચડાવીને તર્પણ કરવા જવું પડે તેવી હાલત જોવા મળે છે.

દામોદર કુંડને સ્વિમિંગ પુલ બનાવાયો!
જૂૂનાગઢમાં ગિરનાર તળેટીમાં આવેલો પૌરાણિક દામોદર કુંડ પિતૃતર્પણ માટે પ્રસિદ્ધ સ્થળ છે. ભાદરવા માસ ઉપરાંત અહીં આખંુ વર્ષ પિતૃતર્પણ માટે શ્રદ્ધાળુઓ આવતાં જ રહે છે. ખાસ કરીને અસ્થિવિસર્જન માટે ગુજરાતભરમાંથી ભાવિકો અહીં આવે છે. દામોદર કુંડ ગિરનારના જંગલમાંથી વહેતી સોનરખ નદી પર આવેલો છે. એક લોકવાયકા મુજબ બ્રહ્માજીએ આ કુંડનું સર્જન કરેલું છે. બ્રહ્માજીએ અહીં યજ્ઞ કર્યો ત્યારે દેવી-દેવતાઓ આવ્યાં હતાં ને પોતપોતાની સ્થાનિક નદીઓમાં સ્નાન કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં બ્રહ્માજીએ કમંડળમાંથી ગંગાજીને પ્રગટ કરીને કુંડમા પધરાવ્યાં હતાં. એક લોકવાયકા એવી પણ છે કે ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કાવેરી સહિતની નદીઓનાં નીર આ કુંડમાં પ્રગટ કરાયાં હતાં. જૂનાગઢના કૃષ્ણભક્ત નરસિંહ મહેતા રોજ ચાલીને અહીં આવતા હતા અને પવિત્ર કુુંડમાં સ્નાન કરતા. કહેવાય છે કે દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ લઈ તેમના પિતાનું અહીં શ્રાદ્ધ કર્યું હતું.

આવા પવિત્ર દામોદર કુંડની હાલત અત્યારે દયનીય છે. કુંડ આસપાસ ગંદકી જોવા મળે છે. સરકારના સહયોગથી જૂનાગઢ કોર્પોરેશન દ્વારા પાંચેક કરોડના ખર્ચે દામોદર કુંડનું રિનોવેશન કરવામાં આવે છે. જેમાં કુંડને કોર્પોરેશન દ્વારા કોઈ સ્વિમિંગ પુલ હોય તે પ્રકારનું રિનોવેશન કરી નવો ઓપ અપાતા ભાવિકોની લાગણી દુભાઈ છે. કોંગ્રેસ અને સ્થાનિક લોકોની સાથે હવે તો ભાજપ સાથે જોડાયેલા આગેવાનોએ પણ દામોદર કુંડના આ કામ સામે વિરોધનો સૂર છેડ્યો છે.

આ મુદ્દે ભાજપના સ્થાનિક આગેવાન અમૃતભાઈ દેસાઈએ ગત જાન્યુઆરીથી સત્તાધીશોને દામોદર કુંડનું પૌરાણિક મહત્ત્વ ખતમ થઈ રહ્યું હોય તેને બચાવવા રજૂઆતોનો દોર ચાલુ કરી દીધો હતો. તેઓ ‘એક હતો દામોદર કુંડ…’ એવા લખાણ સાથે સોશિયલ મીડિયા મારફતે એક ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે. અમૃતભાઈ દેસાઈ કહે છે, “દામોદર કુંડ પિતૃતર્પણ માટેનુ પ્રાચીન તીર્થસ્થાન છે. ભગવાન કૃષ્ણના અસ્થિનું તેમના પ્રપૌત્ર અનિરુદ્ધે અહીં વિસર્જન કર્યું હતું તેવી  લોકવાયકા છે.

દામોદર કુંડમાં ભાદરવી અમાસે તો લાખો લોકો આવે છે, પરંતુ હવે આ કુંડની પૌરાણિકતાને કોર્પોરેશને રિનોવેશનના નામે ખતમ કરી નાખી છે. કુંડને સ્વિમિંગ પુલમાં ફેરવી નાખ્યો છે. બીજી બાબત એ છે કે દામોદર કુંડ સોનરખ નદી પર આવેલો છે, જેના તળિયે રેતી હતી અને સરવાણીથી કુદરતી રીતે પાણી આવતું હતું એટલે અહીં જે અસ્થિ પધરાવવામાં આવતા તે ઓગળી જતા હતા.

કોર્પોરેશને રિનોવેશનના નામે તળિયાના ભાગે સિમેન્ટ પાથરી દેતા સરવાણીથી મળતું પાણી બંધ થઈ ગયું અને અસ્થિ ઓગળી શકતા નથી. જેથી કુંડનું મહત્ત્વ ખતમ થઈ ગયું છે. હવે ઉનાળામાં બોરના પાણીથી કુંડ ભરવો પડે છે. બીજું કે નાનજી કાલીદાસ મહેતાએ બહેનોને કપડાં બદલવા માટે ઘાટ પર ચાર રૂમો બંધાવી આપ્યા હતા તે તોડીને ત્યાં ફિલ્ટર પ્લાન્ટ ઊભો કરી દેવાયો છે. જેથી બહેનોને કપડાં બદલવાની સુવિધા પણ રહી નથી.”

ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના ડિરેક્ટર અને સ્થાનિક આગેવાન યોગીભાઈ પઢિયાર માને છે કે લોકોની માગણી વાજબી છે અને સત્તાધીશો હવે તેમની ભૂલ સુધારવાના પ્રયાસો કરશે. તેઓ કહે છે, “દામોદર કુંડ પૌરાણિક મહત્ત્વ ધરાવે છે અને પિતૃતર્પણ માટે રાજ્યભરમાંથી લોકો અહીં આવે છે ત્યારે તેની મહત્તા ખતમ ન થાય તે મુજબ સુવિધાઓ વિકસાવવી જોઈએ. કોર્પોેરેશન દ્વારા ઘાટ પર સ્વિમિંગ પુલ જેવા અલગઅલગ સાતેક કુંડ બનાવાયા છે જેની સામે લોકોમાં રોષ છે. લોકોની લાગણીને ધ્યાને લઈ અમે કોર્પોેરેશનને રજૂઆત કરી, જેથી કોર્પોરેશનનાં સત્તાધીશોએ કુંડના રિનોવેશનની ડિઝાઈન બદલવામાં હકારાત્મક વલણ અપનાવ્યું છે.”

પ્રાચીનો પીપળો ગંદકીનો ગંજ બન્યો
કહેવત છે કે, ‘સો વાર કાશી, એક વાર પ્રાચી’ એટલે કે પ્રાચીની એક વાર યાત્રા કાશીની સો યાત્રા સમાન છે. વેરાવળ નજીક પ્રભાસ તીર્થસ્થાનમાં આવેલા પ્રાચીના પીપળાનું સ્થળ પણ પિતૃતર્પણ માટે ખૂબ જાણીતું છે. પ્રાચીના આ પીપળાને મોક્ષ પીપળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પીપળે પાણી ચડાવીને પિતૃઓને તૃપ્ત કરવા માટે દૂરદૂરથી ભાવિકો અહીં આવે છે. ભાદરવા મહિનામાં તો અહીં ભાવિકોની ભારે ભીડ હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણએ પ્રાચી તીર્થથી ગૌલોકધામમાં પ્રસ્થાન કર્યું હતું. જોકે અહીં પણ અસુવિધાઓની ભરમાર છે. પ્રાચી પીપળાના સ્થળે જનારા ભાવિકે કહ્યું કે, “દૂર દૂરથી લોકો અહીં આવે છે, પરંતુ આ પવિત્ર તીર્થસ્થાન ગંદકીથી ખબદબે છે. સરકાર દ્વારા તીર્થસ્થાનોના વિકાસની મોટી વાતો કરવામાં આવે છે પરંતુ પ્રાચી તીર્થમાં સુવિધાઓનો સદંતર અભાવ છે અને અહીં આવેલા શ્રદ્ધાળુઓએ હાલાકી ભોગવવી પડે છે.”

ત્રિવેણીસંગમ ઘાટ પર પણ મુશ્કેલીઓ
સોમનાથ મંદિરની નજીક આવેલા ત્રિવેણી સંગમ ઘાટ પર પણ સુવિધાઓનો અભાવ છે. હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો જ્યાં સંગમ થાય છે એ ઘાટ સોમનાથ મંદિરની નજીક આવેલો છે. આ સ્થળ પણ તર્પણ માટે જાણીતું છે. આ ત્રિવેણીસંગમ પર નહાવા માટેની કે અસ્થિ પધરાવવા યોગ્ય વ્યવસ્થા નથી. દૂર દૂરથી અહીં તર્પણ કરવા આવતા ભાવિકો પવિત્ર સંગમમાં સ્નાન કરતાં હોય ત્યારે અસ્થિના ટુકડા તણાઈ આવે છે, જેથી પવિત્રતા જળવાતી નથી.

આ સ્થળે ગંદકી પણ ખૂબ જ જોવા મળે છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ સ્થળના વિકાસ માટે આયોજનો કરાયાં છે પરંતુ હજુ સુધી તેને વાસ્તવિકતામાં ફેરવ્યાં નથી. પિતૃતર્પણ માટે અહીં આવતા લોકોની લાગણીઓ દુભાય છે.
તાલાલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગી આગેવાન ભગાભાઈ બારડ કહે છે, “પ્રાચી અને ત્રિવેણીસંગમના વિકાસની જવાબદારી સોમનાથ મંદિર ટ્રસ્ટની છે. સરકારે આ માટે ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ ટ્રસ્ટ વિકાસની કામગીરી કરતંુ નથી. હાલ આ સ્થળો પર ગંદકી હોવાની ખૂબ ફરિયાદો આવે છે. લોકભાગીદારી આ સ્થળોનો વિકાસ કરવા અમારાથી જે શક્ય પ્રયાસો અમે કરીશુંં.”

ચાંદોદમાં પણ કિનારાઓ પર ગંદકી
વડોદરા નજીક આવેલું ચાંદોદ પણ શ્રાદ્ધવિધિ માટે પ્રખ્યાત છે. અહીં નર્મદા અને ઓરસંગ નદીનો સંગમ હોવાથી તેને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને ચાણોદ તરીકે પણ ઓળખાય છે. અહીં માતાપિતા તેમજ સર્વ પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધવિધિઓ થતી હોવાથી આ સર્વપિતૃના શ્રાદ્ધ માટેનું સ્થળ છે. અહીં ઘાટ તેમજ મંદિરોની સારી એવી વ્યવસ્થા જોવા મળે છે. જેમ ઉત્તરમાં પ્રયાગ છે, તેટલું જ દક્ષિણમાં ચાંદોદનું મહત્ત્વ હોવાથી તેને દક્ષિણપ્રયાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળના બંને ઘાટ પર શ્રાદ્ધવિધિ થઈ શકે છે અને બંને ઘાટનું મહત્ત્વ સરખું જ આંકવામાં આવે છે. કારતક, ચૈત્ર તેમજ ભાદરવા મહિના દરમિયાન અહીં લોકોની સારી એવી ભીડ રહે છે. અહીં કિનારાઓ પર ભારે ગંદકી જામેલી હોય છે. શ્રદ્ધાળુઓ પૂજાપો પધરાવે છે જેથી કિનારા પર ગંદકી જામી જાય છે અને અત્યંત દુર્ગંધ મારે છે.

અહીં ધાર્મિક કાર્ય કરાવનારા દિલીપ જોશી કહે છે કે, “પુરાણોના ઉલ્લેખ અનુસાર ચંડિકા માતાએ ચંડ અને મુંડનો સંહાર અહીં કર્યો હતો, જેના પરથી આ ગામનું નામ ચંડિકાપુર પડ્યું. આ તીર્થનાં દેવી પણ ચંડિકા માતા અથવા ચામુંડા માતા જ છે. એવી પણ માન્યતા છે કે યમરાજાની દિશા દક્ષિણ દ્વારની છે અને આ તીર્થ દક્ષિણ પ્રયાગ કહેવાય છે, તેથી અહીં શ્રાદ્ધવિધિ થાય તેના આત્માને સીધો મોક્ષ મળે છે. દર વર્ષે આશરે ચારથી પાંચ લાખ પરિવારો અહીં તેમનાં સ્વજનો શ્રાદ્ધ માટે આવતા હોવાનો અંદાજ છે. અહીં કેટલીક અસુવિધાઓ હોઈ સરકારીતંત્રે ધ્યાન આપવું જોઈએ.”

સુરતમાં પાંડવોએ પિતૃતર્પણ કરેલું તે ઓવારો જ નષ્ટ થઇ ગયો
સુરતની તાપી નદીનું મહત્ત્વ છેક પુરાણોથી છે. તાપી નદી પર એક પુરાણ લખાયેલું છે. એવું માનવામાં આવે છે કે પાંડવોએ સુરતમાં તાપી નદીના કિનારે પિતૃ તર્પણ કર્યું હતું અને તેને કારણે શહેરમાં આવેલા એક ઓવારાનું નામ પાંચ પાંડવનો ઓવારો છે. અહીં પાંચ પાંડવોની મૂર્તિ પણ છે. આ ઓવારો અહીં આવેલા ગુપ્તેશ્વર મહાદેવના મંદિરને કારણે પણ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે પોતાનાં પાપોનો નાશ કરવા લોકો ગંગાજીમાં સ્નાન કરે છે પરંતુ ગંગાજી પોતે પોતાનાં પાપોનો નાશ કરવા માટે તેમનાં બહેન ગણાતાં તાપી માતાના તીરે સ્નાન કરવા આવ્યાં હતાં.

જ્યાં ગંગાજીએ સ્નાન કર્યું ત્યાં ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. હવે આ ઓવારા પર વિધિઓ કરાવવામાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે ત્યાં સ્નાન કરવું ઘણું મુશ્કેલ છે. તાપીમાં આવતા પૂરથી બચવા અહીં પ્રોટેક્શન વૉલ બનાવાઇ છે જેને કારણે ઓવારો ખતમ જ થઇ ગયો છે. અહીં વિધિ કરાવતા કર્મકાંડી બ્રાહ્મણ પ્રવીણ દીક્ષિત જણાવે છે કે, “દાનવીર કર્ણના પણ
અંતિમસંસ્કાર અહીં જ કરવામાં આવ્યા હતા. આ ઓવારાના ઐતિહાસિક મહત્ત્વ અને પવિત્રતાને કારણે અમે યજમાનોને ત્યાં લઇ જઇએ છીએ પરંતુ હવે એવી હાલત થઇ છે કે ત્યાં સ્નાન કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. આ અંગે સુરત મહાનગરપાલિકાને રજૂઆત પણ કરી છે કે પાળો ભલે બનાવો પરંતુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકે તેવી કોઇ વ્યવસ્થા તો કરવી જ જોઇએ.”

રાજ્યનાં મોટાભાગનાં તર્પણસ્થળોની હાલત ખરાબ છે, જેથી શ્રાદ્ધ માટે આવતા શ્રદ્ધાળુઓને પરેશાની વેઠવી પડે છે. જે તે સંસ્થા કે સરકારી રાહે આવાં સ્થળોએ સ્વચ્છતા જળવાય અને સગવડ વધે તેવા પ્રયાસ થાય તે ઇચ્છનીય છે.
વિશેષ માહિતી: ચિંતન રાવલ-અમદાવાદ, વિરાંગ ભટ્ટ-સુરત,

You might also like