અમે પાક.ના આર્મી કેમ્પ નહીં, જૈશના કેમ્પને નિશાન બનાવ્યા: સુષમા સ્વરાજ

(એજન્સી) બીજિંગ: ચીનના વુઝેનમાં રશિયા-ભારત-ચીનના વિદેશ પ્રધાનોની ૧૬મી બેઠકમાં ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે પુલવામા આતંકી હુમલાનો મુદ્દો ઉઠાવીને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. સુષમાએ પાકિસ્તાનની સરહદમાં ભારતની એર સ્ટ્રાઈક અંગે કહ્યું કે આ કોઈ સૈન્ય અભિયાન નહોતું.

આ એર સ્ટ્રાઈકમાં પાકિસ્તાનના સૈન્યના કોઈ કેમ્પને નિશાન બનાવવામાં આવ્યા નથી. ફક્ત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પ અને ટેરર લોન્ચ પેડ પર હુમલાની કાર્યવાહી કરવામાં આવી છે. ભારત કોઈ પ્રકારે તણાવ વધારવા નથી ઈચ્છતું. અમે જવાબદારી અને સંયમથી કામ કરતાં રહીશું.

સુષમા સ્વરાજે સ્પષ્ટ જણાવ્યું હતું કે પાકિસ્તાન તેની જમીન પર આતંકી સંગઠનો હોવાના અને તેની સામે કડક કાર્યવાહી કરવાની વાતથી સતત ઈનકાર કરી રહ્યું હતું. બીજી તરફ જૈશ સતત ભારતના અનેક હિસ્સામાં આતંકી હુમલા કરવાનું ષડ્યંત્ર બનાવી રહ્યું હતું. આ કારણે અમારી સરકારે અચાનક હુમલો કરવાનો નિર્ણય લેવો પડ્યો. અમે એર સ્ટ્રાઈકમાં એ વાતની ખૂબ કાળજી રાખી હતી કે આ કાર્યવાહીમાં કોઈ સામાન્ય નાગરિકનો જીવ ન જાય.

ભારતનાં વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે પુલવામા આતંકી હુમલા બાદ જૈશ અને પાકિસ્તાન સ્થિત અન્ય આતંકી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવા માટે અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ વિનંતી કરી હતી, પરંતુ પાકિસ્તાને અમારી કોઈ વાત ગંભીરતાથી લેવાના બદલે કાર્યવાહી કરવાનો સાફ ઈનકાર કરી દીધો હતો આટલું જ નહીં પણ પાકે. તો પુલવામા હુમલામાં જૈશનો હાથ હોવાનો પણ ઈનકાર કર્યો હતો. આખરે અમારે તેની સામે કાર્યવાહી કરવી પડી હતી.

You might also like