તારા અલિશા બેરીને લાગી લોટરી

2014માં ‘મસ્તરામ’ જેવી ફિલ્મથી ચર્ચામાં આવેલી તારા અલિશા બેરીને લોટરી લાગી ગઇ છે. તેની એક ફિલ્મ ખૂબ જલદી રિલીઝ થવાની છે. ભટ્ટ કેમ્પે તેને ત્રણ ફિલ્મો માટે સાઇન કરી છે, તેમાંથી એકનું નિર્દેશન વિક્રમ ભટ્ટ કરી રહ્યા છે. ‘મસ્તરામ’ ફિલ્મમાં સાડી પહેરી, બિંદી લગાવીને દેખાયેલી અલિશા ત્યાર બાદ એક ચેનલ પર રવીન્દ્રનાથ ટાગોરની કહાણીમાં પણ એવી જ જોવા મળી, જોકે અલિશા કહે છે કે મેં તો આ અંગે વિચાર્યું પણ નથી. હું ખુશ છું કે લોકોએ મને આવા રોલમાં પસંદ કરી.

‘મસ્તરામ’ના કારણે જ મને મહેશ ભટ્ટના કેમ્પમાં ત્રણ ફિલ્મો મળી. તે વિક્રમ ભટ્ટની એક રોમેન્ટિક ફિલ્મમાં અભિનય કરવાની છે, પરંતુ તેને આજ સુધી પ્રેમ થયો નથી. તે કહે છે કે હું નાની હતી ત્યારથી જ વિચારતી હતી કે મને કોઇની સાથે પ્રેમ થાય. મારી જિંદગીમાં એવી કોઇ વ્યક્તિ આવે, જેને જોઇને હું વિચારું કે તે હંમેશાં મારી જિંદગીમાં રહેશે. હજુ આવી કોઇ વ્યક્તિ મને મળી નથી.

અનુરાગ બાસુના શો ચોખેરબલીમાં અલિશાએ આશા લત્તાનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર ભજવવું તેના માટે પડકાર સમાન હતું. તે કહે છે કે અનુરાગ દાદાના કારણે મારે પહેલેથી પાત્રની તૈયારી કરવાની આદત છોડવી પડી. તેમણે મને શીખવ્યું કે એક કલાકાર તરીકે જે તે સમયે કોઇ પણ મૂડ કે ઇમોશનમાં ખુદને લઇ જવાની કળા આવડવી જ જોઇએ.

You might also like