મસાલા ફિલ્મો પર તાપસીની નજર

વર્ષ ૨૦૧૩માં ડેવિડ ધવન નિર્દેશિત ‘ચશ્મેબદ્દુર’ ફિલ્મથી બોલિવૂડમાં આવનારી તાપસી પન્નુએ ૨૦૧૫માં ‘બેબી’ ફિલ્મમાં ઇન્ટેલિજન્સ અધિકારીના નાનકડા એક્શન રોલથી લોકોને દંગ કરી દીધા. ‘બેબી’ ફિલ્મ તેની કરિયર માટે મહત્ત્વની સાબિત થઇ. ત્યારબાદ ૨૦૧૬માં આવેલી ‘પિન્ક’ ફિલ્મના કોન્સેપ્ટ અને તાપસીના કામને ખૂબ જ પસંદ કરાયું. મિસ અરોરા નામની યુવતીના પાત્રમાં તે અમિતાભ બચ્ચન જેવા મહાનાયકને ટક્કર આપતી જોવા મળી. આ ફિલ્મે તેને એક અલગ મુકામ પર પહોંચાડી દીધી. અદ્ભુત અભિનય અને મહિલા સશક્તીકરણ માટે અવાજ ઉઠાવનાર વ્યક્તિ તરીકે કે લોકોનાં દિલ જીતવામાં સફળ રહી.

‘પિન્ક’ ફિલ્મ બાદ તાપસીને ઘણી બધી ફિલ્મોની ઓફર આવવા લાગી. આ વર્ષે તેણે ત્રણ ફિલ્મો પણ કરી. ‘રનિંગ શાદી ડોટકોમ’, ‘ધ ગાઝી એટેક’ અને ‘નામ શબાના’ આ ફિલ્મો કોઇ ખાસ કમાલ ન કરી શકી. ‘બેબી’ ફિલ્મમાં તાપસીને નાનકડા રોલમાં ખૂબ પ્રશંસા મળી હતી, પરંતુ તેની પ્રિક્વલ ગણાવીને રિલીઝ કરાયેલી ‘નામ શબાના’ની કહાણી તાપસીના પાત્ર પર આધારિત હોવા છતાં પણ ફ્લોપ સાબિત થઇ. આ ફિલ્મમાં તાપસી એક એવી યુવતીનું પાત્ર ભજવી રહી હતી કે જે પોતાની માતા સાથે જિંદગી જીવે છે, પરંતુ પરિસ્થિતિ એવી સર્જાય છે કે તે સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં અંડર કવર એજન્ટના રૂપમાં ભરતી થાય છે. ફિલ્મમાં ટ્વિસ્ટ અને ટર્ન ઘણા હતા, તાપસીના ભાગમાં ઘણા એક્શન સીન પણ આવ્યા હતા. આવી અલગ પ્રકારની ભૂમિકાઓ કર્યા બાદ તાપસી હવે મસાલા ફિલ્મોમાં જોવા મળશે. ફિલ્મ ‘જુડવા-૨’ને લઇ તેનામાં ભરપૂર જોશ ભરેલું છે, કેમ કે તે પોતાના પહેલા હિંદી ફિલ્મ નિર્દેશક ડેવિડ ધવન સાથે કામ કરી રહી છે. વળી, ૧૯૯૦માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘જુડવા’ની તે રિમેક છે. •
http://sambhaavnews.com/

You might also like