ફિલ્મો સિવાયનાં ક્ષેત્રમાં પણ તાપસીનો પગપેસારો

તાપસી પન્નુની અભિનય પ્રતિભાથી તમામ લોકો વાકેફ છે, પરંતુ તેણે ખુદને માત્ર બોલિવૂડ સુધી સીમિત રાખી નથી. તે બોલિવૂડ સિવાયનાં પણ ઘણાં કામ કરી રહી છે. તે પોતાની બહેન સગુન પન્નુ સાથે મળીને એક વેડિંગ પ્લાનર કંપની ચલાવે છે અને ખૂબ જ જલદી તે પોતાના એક નવા વેન્ચરની જાહેરાત પણ કરવાની છે.

આ અંગે તે કહે છે કે કમાણીની બાબતમાં વેડિંગ પ્લાનિંગનું કામ સારું ચાલી રહ્યું છે. હું એક નવું કામ શરૂ કરી રહી છું. તેને પણ ફિલ્મો સાથે કોઇ લેવા-દેવા નથી. ઉલ્લેખનીય છે કે તાપસી કહી ચૂકી છે કે તે ત્યાં સુધી ફિલ્મો કરશે, જ્યાં સુધી દર્શકોનો પ્રેમ મળતો રહેશે. જે દિવસે તેની ફિલ્મો ચાલવાની બંધ થઇ જશે તે દિવસે તે ફિલ્મો કરવાનું છોડી દેશે. કદાચ તેથી તે અત્યારથી જ બોલિવૂડથી અલગ ક્ષેત્રમાં પણ કામ કરી રહી છે.

મૂળ દિલ્હીની રહેવાસી તાપસી પન્નુ આમ તો સોફ્ટવેર એન્જિનિયર છે અને અભ્યાસ દરમિયાન વચ્ચે વચ્ચે તેણે શોખ માટે મોડલિંગ પણ કર્યું હતું. તેને શરૂઆતથી કંઇ અલગ કરવાની ઇચ્છા હતી, પરંતુ તેની સમજમાં ન આવ્યું કે શું કરવું? તેને ફિલ્મોની ઓફર આવી, જેમાં દક્ષિણ ઉપરાંત હિંદી ફિલ્મો પણ હતી.

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરવા દરમિયાન જ તેને ડેવિડ ધવનની ફિલ્મ ‘ચશ્મે બદ્દુર’માં કામ કરવાનો મોકો મળ્યો. બોક્સ ઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન સરેરાશ રહ્યું. ત્યારબાદ આવેલી ફિલ્મ ‘બેબી’માં નાનકડી ભૂમિકાથી તાપસીએ સૌનું ધ્યાન ખેંચ્યું.

તેના પાત્રને લઇને ‘બેબી’ની પ્રિક્વલ ‘નામ શબાના’ પણ બનાવાઇ. ત્યારબાદ તાપસીએ પાછું વળીને જોયું નથી. તેણે ‘પિંક’ જેવી સિ‌િરયસ ફિલ્મ કરી તો ‘જુડવા-૨’ જેવી કોમેડી ફિલ્મમાં પણ પોતાની પ્રતિભા દર્શાવી દીધી. •

You might also like