દારૂના જથ્થા સાથે ટેન્કર-ટ્રક ઝડપાયાંઃ દોઢ કરોડનો મુદ્દામાલ કબજે

સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં જુદા જુદા બે હાઇવે પરથી વિદેશી દારૂનો મોટા પાયે જથ્થો ઝડપાતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. પોલીસે ‌વિદેશી દારૂના જથ્થા સાથે આશરે રૂ.૧.પ૦ કરોડનો મુદ્દામાલ કબજે કરી બે શખસની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક ટેન્કર સૌરાષ્ટ્ર તરફ જઇ રહ્યું હોવાની મળેલ બાતમીના આધારે પોલીસે લીંબડી-ચોટીલા હાઇવે પર નાકાબંધી કરી વાહનચેકિંગ શરૂ કર્યું હતું. દરમ્યાનમાં મોડી રાત્રે સાયલા નજીક પસાર થઇ રહેલ સિમેન્ટ અને કપચીનું મિક્સર કરવાનું ટેન્કર પસાર થતા પોલીસે તેને રોકી તલાશી લેતા આ ટેન્કરમાંથી આશરે રૂ.પ૦ લાખથી વધુની રકમનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂની ૬૧પ૬ બોટલો કબજે કરી એક શખસની ધરપકડ કરી હતી. આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને ક્યા સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા નજીક આદરિયાણા રોડ પર નર્મદા કેનાલ પાસેથી પોલીસે ફિલ્મી ઢબે એક ટ્રકને આંતરી તલાશી લેતા તેમાંથી પણ ‌વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત પણ આશરે રૂ. ૬૦ લાખ જેટલી થાય છે. પોલીસે ટેન્કર, ટ્રક, મોબાઇલ ફોન, રોકડ રકમ અને વિદેશી દારૂના જથ્થા સાથે આશરે રૂ.૧.પ૦ કરોડનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશી દારૂની હેરાફેરીના આરોપસર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ
વીસનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એક કોન્સ્ટેબલ વિદેશી દારૂની હેરાફેરી કરવાના ગુનામાં આબાદ ઝડપાઇ ગયો હતો. પોલીસે આ કોન્સ્ટેબલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે આશરે રૂ.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વડનગર નજીક કહીપુર ગામની સીમમાંથી પસાર થઇ રહેલ બે સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત થતા પેટ્રોલિંગ કરી રહેલ પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ કરતા એક સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂની ૧૦૪૦ બોટલો મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી ઉપેન્દ્રસિંહ અમરસિંહ રાજપૂતની ધરપકડ કરી તેની ઊલટ તપાસ કરતા આ ગુનામાં વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ નટુજીનું નામ ખુલતા‌ં ગઇ મોડી રાત્રે તેની પણ ધરપકડ કરવામાં અાવી છે.

You might also like