રસ્તો બેસી જતાં ટેન્કર પલટી ખાઈ ગયુંઃ એક કર્મચારીનું મોત

અમદાવાદ: શહેરમાં ભ્રષ્ટાચારીઓના કારણે બનેલા પોલંપોલ રસ્તાઓમાં ભૂવાઓને કારણે આજે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગટર સાફ કરવાનું ટેન્કર આજે વહેલી સવારે ઘીકાંટા ચાર રસ્તા નજીકથી જઇ રહ્યું હતું ત્યારે પોલા રસ્તામાં ભૂવો પડી જતાં ટેન્કર પલટી ખાઇ ગયું હતું અને બાજુમાં જ ચાલતાં જઇ રહેલ તેમનો જ કર્મચારી ટેન્કર નીચે દબાઇ જતાં તેનું મોત નીપજ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરરોજ રાત્રે ગટરો સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. આ ગટરો સાફ કરવા ટેન્કરોનો ઉપયોગ થાય છે.

ગટરનું ગંદું પાણી ટેન્કરમાં ભરી લેવાય છે. આજે વહેલી સવારે કોર્પોરેશનનું ગટર સાફ કરવાનું ટેન્કર ગટર સાફ કરી ઘીકાંટા ચાર રસ્તા નજીકથી પસાર થઇ રહ્યું હતું દરમ્યાનમાં અચાનક જ રોડ પર ભૂવો પડ્યો હતો અને પાછળનું વ્હિલ ભૂવામાં પડતાં ટેન્કર પલટી ગયું હતું.

ટેન્કર પલટી જતાં ટેન્કરની બાજુમાં જ ચાલતાં તેમના જ કર્મચારી બમબમભાઇ (ઉં.વ. ૨૧, મૂળ રહે. બિહાર) ટેન્કર નીચે દબાઇ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બનતાં જ ટેન્કરના ડ્રાઇવર બહાર દોડી આવ્યા હતા. તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક દોડી આવી હતી. ગટરનાં પાણીથી આખું ટેન્કર ભરેલું હોઇ હાઇડ્રોલિક મશીન દ્વારા ટેન્કને ઊંચું કરીને મૃતકની લાશને બહાર કાઢી તેમજ ટેન્કરને ભૂવામાંથી બહાર કાઢ્યું હતું.

You might also like