ટેન્કરે પલટી ખાતાં તેલની રેલમછેલઃ તેલ ઉલેચવા લોકોની ભારે પડાપડી

અમદાવાદ: ગાંધીધામથી ૨૦ ટન તેલનો જથ્થો ભરી કપડવંજ તરફ અાવી રહેલા ટેન્કરને હળવદ પાસે અકસ્માત નડતાં રોડ ઉપર તેલની રેલમછેલ બોલી હતી. તેલ ઢોળાયું હોવાના સમાચાર વાયુવેગે પસરતાં અાજુબાજુના રહીશોએ તેલ લેવા પડાપડી કરી મૂકી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ગાંધીધામથી ૨૦ ટન તેલ ભરી એક ટેન્કર કપડવંજ ખાલી કરવા માટે જઈ રહ્યું હતું ત્યારે મોરબી-હળવદ હાઈવે પર ચોકડી પાસે જ ગાય રોડ વચ્ચે અાવતા ટેન્કરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર નાના પુલિયા સાથે અથડાઈ પલટી ખાઈ ગયું હતું. ટેન્કર પલટી ખાતા વાલ્વ ખૂલી જવાથી રોડ ઉપર તેલ વેરાવા લાગ્યું હતું અને જોતજોતામાં જ તેલનું તળાવ ભરાઈ ગયું હતું.

રોડ તેલ ઉપર ઢોળાયું હોવાનું જાણ થતાં જ અાજુબાજુના રહીશો તેલ ઉલેચવા બરણી અને ડબ્બા લઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેલની રીતસરની લૂંટ ચલાવી હતી. જોકે અા ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને ઈજા પહોંચી નથી પરંતુ તેલ રોડ પર પસરાતા રોડની બંને તરફનો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનવ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ લોકોના ટોળાને વિખેરી નાખ્યા હતા અને અા અંગે ટેન્કરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

You might also like