ચક્રવાત ‘ફની’: તામિલનાડુ-કેરળમાં રેડ એલર્ટ, ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે ચક્રવાત ફનીના કારણે તામિલનાડુ અને કેરળમાં રેડ એલર્ટ જારી કર્યું છે. તામિલનાડુમાં ખરાબ હવામાનના કારણે ૩૦ એપ્રિલ અને ૧ મે માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ બે દિવસમાં ચક્રવાતી તોફાન ફની રાજ્યના ઉત્તર કિનારા પર ત્રાટકે તેવી આશંકા છે. હિન્દ મહાસાગર અને તેની નજીક આવેલી બંગાળની ખાડીમાં નીચા દબાણ ક્ષેત્રથી બનેલા ફની ચક્રવાતથી કેરળના તટવર્તી વિસ્તારોમાં ભીષણ તોફાન સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ફનીના કારણે માછીમારોને આગામી એક સપ્તાહ સુધી સમુદ્રમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. તામિલનાડુ ઉપરાંત કેરળ અને કર્ણાટકમાં પણ લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના જણાવ્યા અનુસાર નીચા દબાણવાળું આ ક્ષેત્ર બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં પ્રશાંત મહાસાગર પાસે ભૂમધ્યરેખા નજીક નોંધવામાં આવ્યું છે, જેના કારણે ચક્રવાત ૩૦ એપ્રિલે ઉત્તર તામિલનાડુના કિનારા તરફ આગળ વધે અને ટકરાય તેવી સંભાવના છે. તામિલનાડુ અને પુડ્ડુચેરીના તટ્ટીય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આંધી-તોફાન અને વીજળીના કડાકા સાથે ૧૧પ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પવન ફૂંકાશે તેવું પણ હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.

ર૮ એપ્રિલ, રવિવારે ફનીના કારણે તામિલનાડુ, પુડ્ડુચેરી અને કેરળ એમ ત્રણેય રાજ્યના દરિયાકિનારે આવેલા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તંત્ર હવામાન વિભાગના એલર્ટ બાદ સાવચેત થઈ ગયું છે અને તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. તામિલનાડુ અને કેરળમાં ર૪ કલાક કાર્યરત એવા કન્ટ્રોલરૂમ ઊભા કરાયા છે, જેની તમામ માહિતી સતત મુખ્યપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવી રહી છે.

છ મહિનાની અંદર આ બીજી વખત ચક્રવાતના કારણે તામિલનાડુ પર સંકટ સર્જાયું છે. આ અગાઉ નવેમ્બર-ર૦૧૮માં ચક્રવાત ગાજાએ મોટી તબાહી મચાવી હતી, જેમાં ૪૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આગામી ૩૬થી ૪૮ કલાક સુધી તામિલનાડુ અને કર્ણાટકનાં કેટલાંક સ્થળો પર આજે જોરદાર વરસાદ પડવાની સંભાવના છે. રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે ખાસ ટીમ બનાવી છે, જે સતત હવામાન પર નજર રાખી રહી છે.

You might also like