જયલલિતાઅે હિલેરી ક્લિન્ટનને પત્ર લખીને રોલ મોડલ ગણાવ્યાં

ચેન્નઈ: તામિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતાઅે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને તેમનાં નોમિનેશન માટે અભિનંદન અાપ્યાં છે. જયલલિતાઅે ગઈ કાલે હિલેરીને અા અંગે એક પત્ર લખ્યો અને હિલેરીને પહેલાં મહિલા રાષ્ટ્રપતિ ઉમેદવાર બનવા પર અભિનંદન અાપ્યાં અને કહ્યું કે તેઅો દુનિયાભરની મહિલાઅો માટે પ્રેરણાસ્ત્રોત છે.

તેમને પત્રમાં લખ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે તેમના નોમિનેશન માટે અિભનંદન. દુનિયાભરની મહિલાઅો માટે અા ગર્વની વાત છે. લોકતાંત્રિક દેશોમાં રાજનીતિમાં સામેલ મહિલાઅો માટે તે ગર્વ અને સંતુષ્ટિની વાત છે. જયલલિતાઅે પત્રમાં લખ્યું કે હિલેરીઅે મહિલા સશક્તિકરણની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.

તેમણે પત્રમાં લખ્યું કે તેમાં કોઈ શક નથી કે તેઅો જેમ જેમ અાગળ વધશે તેમ તેમ મહિલા સશક્તિકરણ મુદ્દે પણ અાગળ અાવતા જશે. હિલેરીની ચેન્નઈ યાત્રાનો ઉલ્લેખ કરતાં જયલલિતાઅે લખ્યું કે મારા માટે તમારી અે યાત્રા ખૂબ જ ખાસ છે. તમે જ્યારે ૨૦ જુલાઈ ૨૦૧૧ના રોજ સ્ટેટ સેક્રેટરી તરીકે અાવ્યાં હતાં. ત્યારે મેં તમારી સાથે કેટલાયે મુદ્દાઅો પર ચર્ચા કરી હતી. પત્રમાં તેમણે હિલેરીને અાગળના ચૂંટણી પ્રચાર અને નવેમ્બરમાં યોજાનાર ચૂંટણી માટે શુભેચ્છાઅો અાપી હતી.

You might also like