યુએસ-ઉ.કોરિયામાં સુલેહના સંકેતઃ મેમાં ટ્રમ્પ-કિમની ઐતિહાસિક મુલાકાત

વોશિંગ્ટન, શુુક્રવાર
અમેરિકા અને ઉત્તર કોરિયાના તણાવભર્યા સંબંધોમાં હવે સુલેહ અને સમાધાનના સંકેતો મળી રહ્યા છે. અત્યાર સુધી એક બીજા સામે ઘુરકિયાં કરનાર ‌અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે મેમાં મુલાકાત યોજાઇ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ ઉનને મળવા પોતાની સં‌મતિ આપી દીધી છે. બંને નેતાઓ વચ્ચે યોજાનારી આ મુલાકાતને ઐતિહાસિક માનવામાં આવી રહી છે.

દ‌િક્ષણ કોરિયાના નેશનલ સિકયોરિટી ઓફિસના હેડ ચુંગ એઇયોંગે પત્રકારો સાથેની વાતચીતમાં આ મુલાકાત અંગે જાણકારી આપી હતી. તેઓ હાલ વોશિંગ્ટનના પ્રવાસ પર છે. તેઓ અહીં અમેરિકા અને સાથી દેશોને ઉત્તર કોરિયાના પોતાના તાજેતરના પ્રવાસ દરમિયાન કિમ જોંગ ઉન સાથે થયેલી વાતચીતનો અહેવાલ આપવા આવ્યા છે.

દ‌િક્ષણ કોરિયાના અધિકારીઓની સોમવારે કિમ જોંગ ઉન સાથે થયેલી મુલાકાત અંગે ટ્રમ્પને જાણકારી આપ્યા બાદ તેમણે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું હતું કે કિમ જોંગ ઉન પરમાણુ કાર્યક્રમ રોકવા અને મિસાઇલ ટેસ્ટ સસ્પેન્ડ કરવા પ્રતિબદ્ધ છે.

અહેવાલો અનુસાર ઉત્તર કોરિયાના આમંત્રણનો સ્વીકાર કરીને ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ મે મહિનામાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર સાથે મુલાકાત કરશે. આ બેઠક બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એવો દાવો કર્યો છે કે દ‌િક્ષણ કોરિયા આગામી કેટલાક કલાકોમાં ઉત્તર કોરિયા અંગે એક મોટી જાહેરાત કરનાર છે.

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે દ‌િક્ષણ કોરિયાની જાહેરાત ઉત્તર કોરિયા સાથે સંકળાયેલી હશે કે કેમ? અને આ જાહેરાત બિઝનેસ અંગે હશે કે કેમ? ત્યારે ટ્રમ્પે તેની વધુ વિગતો આપવા ઇનકાર કર્યો હતો.

You might also like