તાલિબાનના ડરથી પાક.ની મહિલા સ્ક્વોશ ખેલાડી છોકરો બની ગઈ!

લંડનઃ પાકિસ્તાનની નંબર વન મહિલા સ્ક્વોશ ખેલાડી મારિયા તૂરપકાઈ જ્યારે નાની બાળકી હતી ત્યારે તેણે પોતાનાં બધાં જ કપડાં સળગાવી નાખ્યાં. પોતાના લાંબા વાળ કપાવીને નાના કરી નાખ્યા હતા. પછીનાં ૧૦ વર્ષો સુધી મારિયા ખુદને એવો વિશ્વાસ અપાવતી રહી કે તે છોકરી નથી. મારિયાનો જન્મ પાકિસ્તાનના દક્ષિણ વજિરિસ્તાનમાં થયો હતો. આ વિસ્તાર એ સ્થળોમાં સામેલ છે, જ્યાં તાલિબાનોની જબરી ધાક છે.

ચાર વર્ષની ઉંમરમાં મારિયાએ અનુભવ્યું કે જો તેણે રમવું હોય તો છોકરા જેવાં કપડાં પહેરવા પડશે. મારિયાના પિતા પોતાની પુત્રીની અંદર છુપાયેલી ખેલાડીને જોઈ શકતા હતા. મારિયાની મદદ કરવા માટે તેમણે પણ મારિયાને પોતાનો પુત્ર જાહેર કરી દીધો અને તેનું નામ ચંગેઝખાન રાખી દીધું. પછી ધીમે ધીમે જ્યારે મારિયા વધુ પ્રખ્યાત થવા લાગી ત્યારે તેનું આ રહસ્ય ખૂલી ગયું. લોકો જાણી ગયા કે તે છોકરો નહીં, બલકે છોકરી છે. આ વાતની જાણ થયા પછી તલિબાન તરફથી મારિયાને હત્યા કરી નાખવાની ધમકીઓ મળવા લાગી. તાલિબાનોએ મારિયાના પરિવાર પર આરોપ લગાવ્યો હતો કે પોતાની પુત્રીને પુત્ર તરીકે રજૂ કરીને અને તેને જાહેરમાં રમવાની તક આપીને બધાને શરમજનક પરિસ્થિતિમાં મૂકી દીધા છે.

મારિયાની કહાણી સામાન્ય લોકો જેવી નથી અને કદાચ એ જ કારણ છે કે તેની જિંદગીની કહાણીને ‘ગર્લ અનબાઉન્ડ’ નામની ફિલ્મના માધ્યમથી સિનેમાના પડદા પર ઉતારવામાં આવી છે. થોડા સમય પહેલાં લંડનમાં યોજાયેલા એક ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ થયું. એ પ્રસંગે હાજર મારિયાએ જણાવ્યું, ”હું જે સ્થળ સાથે જોડાયેલી છું ત્યાં છોકરીઓને રમવાની મંજૂરી નથી હોતી. મેં આવા તમામ નિયમો તોડ્યા છે.”

૧૬ વર્ષની ઉંમરે મારિયાએ વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે તેને આ સિદ્ધિ બદલ સન્માનિત પણ કરી હતી. મારિયા જણાવે છે, ”આંતરરાષ્ટ્રીય સ્તર પર રમનારી વજિરિસ્તાનની હું પહેલી પશ્તૂન છોકરી હતી. મારા પરિવારને તાલિબાનો તરફથી અનેક ધમકીઓ મળી. તાલિબાનોનું કહેવું હતું કે આપણે કબિલાઈ લોકો છીએ અને આપણે ઇસ્લામના નિયમોનું પાલન કરવુંજોઈએ. તેઓના જણાવ્યા અનુસાર સ્ત્રીઓએ ઘરની અંદર જ રહેવું જોઈએ.
રમત દરમિયાન સગવડ માટે મારિયાએ નાનું સ્કર્ટ પહેરવું પડતું હતું. આ વાતથી પણ તાલિબાનો બહુ ગુસ્સે ભરાયા હતા.

તાલિબાનોની ધમકી બાદ મારિયાએ પોતાની જાતને ઘરમાં જ કેદ કરી લીધી. ઘરમાં રહીને તેણે બાકીની દુનિયા સાથેનો સંબંધ કાપી નાખ્યો. તે દિવસ-રાત પોતાના બેડરૂમની દીવાલ પર સ્ક્વોશ રમવાની પ્રેક્ટિસ કરતી રહી. વર્ષ ૨૦૧૧માં તે કેનેડા ચાલી ગઈ. ભૂતપૂર્વ સ્ક્વોશ ચેમ્પિયન જોનાથન પાવરની મારિયાએ મદદ માગી હતી અને જોનાથન તેની મદદ માટે આગળ આવ્યો. મારિયાને કેનેડામાં રહેવાની મંજૂરી મળી ગઈ.

મારિયા હાલ ૨૬ વર્ષની છે. પોતાની સફળતાનો સૌથી મોટો શ્રેય તે પોતાના પિતા શમ્સુલ કયૂમ વજીરને આપે છે. વજિર એક શિક્ષક છે અને ખુદને બાગી બતાવે છે. તેમનું કહેવું છે કે યુરોપથી આવનારા હિપ્પીઓ સાથે વાતચીત બાદ જિંદગી પ્રત્યે તેમનું વલણ બદલાઈ ગયું. મારિયા હવે મારિયા તુરપાકી ફાઉન્ડેશન ચલાવે છે, જેથી દક્ષિણ વજિરિસ્તાનમાં તે બાળકોના શિક્ષણ માટે સ્કૂલ બનાવી કે અને તેમને રમતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે.
http://sambhaavnews.com/

You might also like