પ્રેમ-પ્રકરણમાં તલાટીની હત્યા થઈ હોવાનો પર્દાફાશઃ ચારની ધરપકડ

અમદાવાદ: તારાપુર તાલુકાના મહીયારી ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીની છ દિવસ અગાઉ થયેલી હત્યાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢી ચાર શખસોની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

આ અંગેની વિગત એવી છે કે, તારાપુર તાલુકાના મહિયારી ગ્રામ પંચાયતમાં તલાટી-કમ-મંત્રીની ફરજ બજાવતા ઇન્દ્રજિતસિંહની લાશ ગઇ ૬ ઓકટોબરના રોજ ખંભાત રોડ પર આવેલી ઇલાપાર્ક સોસાયટીના એક અવાવરું મકાનમાંથી મળી આવી હતી. પોલીસે જુદી જુદી થિયરીથી સઘન તપાસ શરૂ કરી હતી. દરમ્યાનમાં પોલીસ તપાસ દરમ્યાન મૃતક ઇન્દ્રજિતસિંહને કલોદ્રા ખાતે એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે આ દિશામાં તપાસ લંબાવી તલાટીની મુસ્લિમ પ્રેમિકાના જેની સાથે નિકાહ થવાના હતા તે યુવક સહિત ચારને ઝડપી લીધા હતા. આ શખસોએ જ તલાટીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પોતાના લગ્નમાં કાંટારૂપ બનેલ તલાટીનું કાસળ કાઢી નાખવાનું કાવતરું ઘડનાર મોઇનખાન પઠાણ સહિત પોલીસે તેના ચાર મિત્રોને પણ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like