ભ્રષ્ટાચારી તલાટી અને સરપંચ સામે ગ્રામજનો જંગે ચડ્યા

પાવી જેતપુર : પાવી જેતપુર તાલુકાના પાની જૂથ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા કામગીરી કર્યા વિના ચોપડે ખોટા ખોટા ખર્ચા નાંખી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રજૂઆત ગ્રામજનો દ્વારા લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુર તાલુકાની પાની જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સામે પાવી જેતપુર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપનાર ગ્રામજનોએ પોતાના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, પામી જૂથ ગ્રામ પંચાયતમાં સમાવેશ ગામોમાં વિકાસના કામો કરવામાં આવતા નથી, સરપંચ અને તલાટી દ્વારા ખોટા ખોટા ખર્ચા ચોપડામાં બતાવી નાણાં તફડાવી લેવામાં આવે છે.

ગ્રામ પંચાયતના ચોપડે સ્ટ્રીટ લાઇટનો રૂ. ૨૫૦૦ ખર્ચ દર્શાવ્યો છે પરંતુ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવી નથી, હેલ્પરને રૂ. ૫૦૦૦ આપવામાં આવ્યા નથી છતાં ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, ટીવી રિપેરીંગના રૂ. ૫૦૦૦, પરચુરણ ખર્ચના રૂ. ૨૫,૦૦૦, આગ અકસ્માતના રૂ. ૫૦૦૦, રસ્તા રિપેરીંગના રૂ. ૨૫,૦૦૦ દર્શાવ્યા છે, પરંતુ આ કોઇ કામગીરી જ કરવામાં આવી નથી.

પંચાયતના તલાટી તથા સરપંચ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવે, જો આ અંગે તપાસ ધરવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે જઇ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યાં છે.

You might also like