આવતી કાલે તાલાળા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે

અમદાવાદઃ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે મિની જંગ સમાન તાલાળા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતી કાલે મતદાન થશે. કોંગ્રેસની પરંપરાગત ગણાતી આ બેઠકને કબજે કરવા ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને ધારાસભ્યો સહિત છેલ્લા એક સપ્તાહથી તાલાળામાં કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ બારડનાં નિધનથી ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના જશુભાઈના ભાઈ ભગવાનજી બારડને ટિકિટ આપીને બેઠક જાળવવા તમામ તાકાત કામે લગાવી છે. ભાજપે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને ટિકિટ આપી છે. પરમાર વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં ૧૪૭૮ મતની નાની સરસાઈથી હાર્યા હતા.

બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ તાલાળા મતક્ષેત્રમાં પહોંચી ગયા છે. કોંગ્રેસ જશુભાઈ બારડના કુટુંબીને ટિકિટ આપીને સહાનુભૂતિ મત મેળવવાનો પ્રયાસ કરી રહી છે.  વર્ષ ૨૦૦૨માં આ બેઠક પર જશુભાઈ બારડ ભાજપના ગોવિંદભાઈ પરમાર સામે હાર્યા હતા. આ બેઠક ચાર તાલુકામાં વહેંચાયેલી છે. તાલાળામાં બારડ પરિવારનું વર્ચસ્વ છે, જ્યારે ભાજપને મંડોરણા, સૂત્રાપાડામાંથી સરસાઈની આશા છે. આવતી કાલનો ચૂંટણી જંગ ભાજપ કે કોંગ્રેસ તરફ પલ્લું નમવાની દિશામાં મતદાન બાદ ભવિષ્ય નક્કી કરશે.

You might also like