બસની ભીડનો લાભ લઈ તસ્કર રૂ.૧.૩૦ લાખના દાગીના સેરવી ગયો

અમદાવાદ: સામાન્ય રીતે ભીડભાડવાળા વિસ્તારો તેમજ રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડીને તેઓની નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરીના બનાવો બને છે, પરંતુ હવે તો એએમટીએસ બસમાં પણ ભીડનો લાભ લઇને તસ્કરો સોનાના દાગીનાની ચોરી કરી રહ્યા છે.
સાબરમતી વિસ્તારમાં રહેતી એક મહિલા ગઇ કાલે પાલડીથી એએમટીએસ બસમાં બેસી સાબરમતી આવી રહી હતી ત્યારે અજાણી વ્યકિતએ બસની ભીડનો લાભ લઇ તેમના પર્સમાંથી સોનાના દાગીના ભરેલું નાનું પર્સ સેરવી લીધું હતું. આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સાબરમતીની ધર્મનગર સોસાયટી, વિભાગ-રમાં રહેતાં અનીતાબહેન વાઘવાણી ભાવનગર ખાતે તેમના પતિ સાથે લગ્નપ્રસંગમાં ગયાં હતાં. ગઇ કાલે તેઓ ત્યાંથી પરત ફર્યાં હતાં. તેમના નણંદ અને તેમનો પુત્ર રિક્ષામાં બેસી અને સાબરમતી ગયા હતા જ્યારે અનિતાબહેન તેમના પતિ સાથે વાસણાથી ચાંદખેડા જતી ૪૦૧ નંબરની એએમટીએસ બસમાં બેસી સાબરમતી આવી રહ્યાં હતાં. તેમના હાથમાં એક મોટું પર્સ હતું અને તેમાં અન્ય નાનું પર્સ હતું, જેમાં સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂ.૮,૦૦૦ હતા.

બસમાં વધુ ભીડ હોવાના કારણે તેઓ ઇન્કમટેક્સ સુધી ઊભાં હતાં. દરમિયાનમાં કોઇ અજાણી વ્યકિતએ ભીડનો લાભ લઇ તેમની પાસે રહેલા પર્સમાં બાજુમાંથી બ્લેડથી ચેકો મારી સોના-ચાંદી અને રોકડ ભરેલું નાનું પર્સ ચોરી લીધું હતું. ઘરે પહોંચીને પર્સમાં તેઓએ ઘરની ચાવી કાઢી અને પર્સમાં જોતાં નાનું પર્સ જોવા મળ્યું ન હતું. આથી આ અંગે સાબરમતી પોલીસને જાણ કરાતાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં શહેરમાં મહિલાઓના પર્સમાંથી નજર ચૂકવીને સોના-ચાંદીના દાગીનાની ચોરીના બનાવો રિક્ષામાં પેસન્જર તરીકે બેસાડીને થયા છે. હવે તસ્કરો બસમાં પણ ભીડનો લાભ લઈ અને આ રીતે ચોરી કરવાનું શરૂ કરતાં લોકોએ સાવધ રહેવાની જરૂર છે.

You might also like