200ની નોટની સપ્લાય વધી તો RBIએ બેંકોને ATM બદલવાના આદેશ આપ્યા

રિઝર્વ બેન્ક રૂ.ર૦૦ની નોટનો સપ્લાય સતત વધારી રહી છે અને આટલા માટે તેણે બેન્કોને પોતાના એટીએમમાં ફેરફાર કરવા જણાવ્યું છે એવી માહિતગાર સૂત્રોએ જાણકારી આપી છે.

આરબીઆઇના આદેશના અમલ માટે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝને રૂ.૧,૦૦૦ કરોડ કરતાં વધુ રકમ ખર્ચવી પડશે. બેન્કો પર આ બોજ એવા સમયે પડનાર છે જ્યારે તેઓ બેડલોનથી ઘણા પરેશાન છે. આ આદેશથી વાકેફ એક બેન્કરે નામ જાહેર ન કરવાની શરતે એવું જણાવ્યું હતું કે આરબીઆઇએ બેન્કો અને એટીએમ ઉત્પાદકોને જણાવ્યું હતું કે તેઓ શકય હોય એટલી જલદી રૂ.ર૦૦ની નોટ માટે એટીએમમાં જરૂરી ફેરફાર કરે. અમારે રૂ.ર,૦૦૦ની નોટ સાથે રૂ.ર૦૦ની નોટની પણ જરૂર છે. આરબીઆઇનું આ સારું પગલું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે લાગુ પાડતાં પાંચથી છ મહિના લાગશે. રિઝર્વ બેન્કે જોકે આ સમાચારને લઇને ઇ-મેઇલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપ્યો નથી. નવેમ્બર-ર૦૧૬માં રૂ.પ૦૦ અને રૂ.૧,૦૦૦ના દરની જૂની નોટો અમાન્ય જાહેર કરવામાં આવી હતી.

You might also like