વિધાનસભાની ચૂંટણીને લઇ એક સપ્તાહ ‘ડ્રાય ડે’: તમામ લિકર શોપ બંધ રાખવા અાદેશ

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે સમગ્ર જિલ્લાના પરમીટવાળા લિકર બાર આગામી ૧૪ ડિસેમ્બર સુધી બંધ રહેશે. તેથી એક અઠવાડિયા સુધી ડ્રાય ડે રહેશે. લિકર પર‌િમટ ધરાવનારાઓ માટે આ માઠા સમાચાર બની રહેશે.

૧૮ ડિસેમ્બર મતગણતરીના દિવસને પણ ડ્રાય ડે જાહેર કરાયો છે. નશાબંધી આબકારી વિભાગ દ્વારા આ સૂચના જાહેર કરાઇ હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. સ્વાભાવિક રીતે જ ચૂંટણી દરમ્યાન દેશી-વિદેશી દારૂની રેલમછેલ છાનાખૂણે ચાલતી હોવાના સમાચાર અવારનવાર ચમકતા રહે છે. કહેવાય છે કે દારૂ અને ચવાણું એ ચૂંટણીની ઓળખ છે. અત્યારે ઠેર ઠેર દારૂ પકડાઇ રહ્યો છે. અત્યાર સુધી વિભાગે દારૂ ભરેલાં અનેક વાહનો પણ જપ્ત કર્યાં છે એટલું જ નહીં, એક કરોડથી વધુ રકમનો દારૂ પણ ઝડપી લીધો છે.

રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણી આગામી ૯ ડિસેમ્બર અને બીજા તબક્કાની ચૂંટણી ૧૪ ડિસેમ્બરે યોજાઇ છે, પરંતુ ૭મીના જ સાંજના પાંચ વાગ્યાથી ડ્રાય ડે લાગુ થઇ જશે, જે મતદાનના દિવસ સહિત મતગણતરીના દિવસ ૧૮ ડિસેમ્બર સુધી એક સપ્તાહ માટે ચાલુ રહેશે. લિકર બાર ધરાવતી તમામ હોટલના સંચાલકોને આ સૂચના આપી દીધી હોવાનું જાણવા મળે છે.

ચૂંટણીમાં દારૂના દૂષણને ડામવા માટે જ આબકારી અને નશાબંધી વિભાગ દ્વારા આ સૂચના જાહેર કરાઇ છે. આ સૂચનાનું પાલન નહીં કરનારા સામે કાયદેસર કાર્યવાહી થશે. સાત દિવસ સુધી ડ્રાય ડે રહેશે તેવા સમાચારથી પિયક્કડોને ધ્રાસ્કો પડ્યો છે.

You might also like