કરોડોના ખર્ચ પછી પણ ટાગોર હોલનાં લીકેજને રોકી શકાતું નથી!

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડનાં ઉદાહરણ સતત પ્રકાશમાં આવતાં રહે છે. શહેરની રોનક સમાન ટાઉન હોલ અને ટાગોર હોલ પૈકી ટાગોર હોલના રિનોવેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છતાં પણ તેની છતનું લીકેજ અટકાવી શકાતું નથી. અત્યારે વરસાદનું જોર નહીંવત્ હોવા છતાં ટાગોર હોલની છત પર જાણે કે કોઈ જાહેર સમારંભ કે લગ્નનો ભવ્ય સામિયાનો બંધાઈ રહ્યો હોય તે રીતે સત્તાવાળાઓએ પ્લાસ્ટિકના કવરથી છતને ઢાંકવાની કામગીરી હાથ ધરી છે.

તંત્ર દ્વારા સંચાલિત ટાગોર હોલનું છેક વર્ષ ૧૯૬૮માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે દબદબાભેર ઉદ્ઘાટન કરાયું હતું. શહેરીજનોના સાંસ્કૃતિક કાર્યક્રમો, શાળાકીય કાર્યક્રમો સહિતના કાર્યક્રમો માટે ટાઉન હોલની સાથે-સાથે ટાગોર હોલ હરહંમેશ લોક નજરે મોખરે રહ્યો છે.

જોકે ટાગોર હોલમાં વરસાદી ઋતુમાં સ્ટેજ પર પાણી ટપકવા જેવી ફરિયાદોએ ગંભીર રૂપ લેતાં તત્કાલીન મેયર મીનાક્ષીબહેન પટેલ અને તત્કાલીન કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રના સમયકાળમાં તંત્ર દ્વારા ગત તા.૫ માર્ચ, ૨૦૧૩થી તેના રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ હતી.

આ માટે રૂ.૯.૬૪ કરોડના ટેન્ડરને મંજૂર કરાયું હતું અને રિનોવેશનની કામગીરી ગત તા.૩ નવેમ્બર, ૨૦૧૩એ પૂર્ણ કરાઈ હતી. ત્યારબાદ ફરીથી ઉદ્ઘાટન કરાયું હતું તે વખતે આ ઉદ્ઘાટન સમારંભ અને હોલના વધારાયેલા ભાડાએ ભારે વિવાદ સર્જ્યો હતો.

પરંતુ તંત્રના ભ્રષ્ટાચારના કારણે માત્ર ચાર વર્ષમાં ટાગોર હોલના સ્ટેજ અને ઓડિટોરિયમની બેઠક પર છત પરથી વરસાદી પાણી પડવા લાગ્યું હતું. ગત ચોમાસામાં જુલાઈના પ્રારંભમાં વરસાદના કારણે ટાગોર હોલ ફરીથી ગળવા લાગ્યો હતો.

પરિણામે સત્તાધીશોને રિનોવેશનની કામગીરી હાથ ધરવાની ફરજ પડી હતી. માત્ર પાંચ િદવસમાં રિનોવેશન પૂર્ણ કરાશે તેવો દાવો કરાયો હોવા છતાં આખા જુલાઈ મહિના સુધી ટાગોર હોલને રિપેરિંગ માટે બંધ કરવો પડ્યો હતો. ટાઉન હોલના રિનોવેશનનું કામ પણ હાથ પર લેવાયું હતું. ગયા વર્ષે પણ રિનોવેશન પાછળ તંત્ર દ્વારા રૂ.બેથી ત્રણ કરોડ ખર્ચાયા હતા.

આ અંગે પાલડીના સામાજિક કાર્યકર જોહર વોરા કહે છે, ‘ખરેખર તો આ તંત્રના ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ છે. ટાગોર હોલની છતમાંથી દર વર્ષે વરસાદી પાણી પડવાની સમસ્યા ઉદ્ભવતી હોઈ સત્તાવાળાઓ આવા અધકચરા પ્રયોગ કરે છે, પરંતુ જો ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં મુશળધાર વરસાદ વરસ્યો તો ફરીથી ટાગોર હોલને બંધ કરવાની નોબત આવશે.’

You might also like