વર-વધૂની બાજુમાંથી ટાબરિયો સાત લાખના દાગીના ચોરી ગયો

728_90

અમદાવાદ: લગ્ન સિઝન શરૂ થતાં જ લગ્ન હોલ અને પાર્ટીપ્લોટમાં ચોરી કરનારી મઘ્યપ્રદેશની ટાબરિયાં ગેંગ સર્કિય થઇ છે. નવાં કપડાં પહેરીને ટાબરિયાં ગેંગ લગ્નમાં ઘૂસી જાય છે અને તકનો લાભ લઇને સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ જાય છે. નિકોલના રસરાજ જેકપોર્ટ પાર્ટીપ્લોટમાં ચાલતા લગ્ન પ્રંસગમાં ચોરીની ઘટના સામે આવી છે જ્યાં ટાબરિયાં ગેંગે કન્યાદાન સમયે સાત લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા છે.

બાપુનગર વિસ્તારમાં આવેલ ન્યૂ અરવિંદ પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઇ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ટાબરિયા ગેંગ વિરુદ્ધ સાત લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે દિનેશભાઇ બાપુનગરમાં આવેલ વસ્ત્ર ભંડારમાં નોકરી કરીને તેમનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. દિનેશભાઇ પત્ની અરુણાબહેન, પુત્રી ધારા અને પારુલ અને પુત્ર રવિ સાથે રહે છે.

બે દિવસ પહેલાં દિનેશભાઇની મોટી પુત્રી ધારાનાં લગ્ન નિકોલ વિસ્તારમાં આવેલ રસરાજ પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યાં હતાં. લગ્નમાં જાન ચાંદખેડાથી આવી હતી અને સાંજના ચાર વાગ્યાથી લગ્નની વિધિ શરૂ થઇ હતી. લગ્નની ચોરીમાં પરિવારના તમામ સભ્યો હાજર હતા ત્યારે ધારાનાં લગ્નમાં ભેટ સોગાદ તરીકે આપવામાં આવેલા સોનાના દાગીના એક કપડાની થેલીમાં હતા.

રાત્રે આઠ વાગ્યાની આસપાસ કન્યાદાનની વિધિ ચાલતી હતી ત્યારે દિનેશભાઇ અને અરુણાબહેન ચોરીમાં હાજર હતા ત્યારે એક દસ થી ૧૨ વર્ષનો કિશોર મંડપની ચોરી પાસે આવીને સોનાના દાગીના ભરેલી થેલી લઇને જતો રહ્યો હતો. દિનેશભાઇની નજર પડતાં દાગીનાથી ભરેલી થેલી ગાયબ હતી. દિનેશભાઇની નજર કિશોર પર પડતાં તેના હાથમાં દાગીના ભરેલી બેગ હતી. દિનેશભાઇએ એકાએક બુમાબુમ કરી હતી જેથી સગાં સબંધીઓ તેની પાછળ દોડ્યા હતા. જોકે તે લોકોને થાપ આપીને નાસી છુટ્યો હતો.

થેલામાં ૪.૮૦ લાખ રૂપિયાનો ૧૬ તોલાનો સોનાનો હાર, બે તાેલાના વજનની ૬૦ હજાર રૂપિયાની સોનાની લકી, દોઢ તોલાની ત્રણ સોનાની વીંટી, તેમજ ૩૦ હજાર રૂપિયાની સોનાની બુટ્ટી. ૧૫ હજાર રૂપિયાનું સોનાનું પેંડલ સહિત કુલ સાત લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી.

દિનેશભાઇએ લગ્ન પ્રસંગ પૂરો થતાંની સાથે જ નિકોલ પોલીસ સ્ટેશનમાં ટાબરિયાં ગેંગ વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ આપી છે. પોલીસે દિનેશભાઇની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે ટાબરિયાં ગેંગ સુધી પહોંચવા માટે પહેલાં લગ્ન પ્રસંગમાં વીડિયો શૂટિંગ કરવા માટે આવેલા ફોટોગ્રાફર પાસેથી લગ્નનો વીડિયો લીધો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે એક ૧૦ થી ૧૨ વર્ષનો કિશોર કન્યાદાન સમયે લગ્નની ચોરીમાં આવે છે અને ગણતરીની સેકન્ડમાં દાગીના ભરેલો થેલો લઇને જતો રહે છે.

ઉલ્લેખનીય છેકે લગ્નમાં ચોરી કરવા માટે મધ્યપ્રદેશની ટાબરિયાં ગેંગ જાણીતી છે. લગ્નની સિઝન શરૂ થાય ત્યારે આ ટાબરિયાં ગેંગ સક્રિય થાય છે અને લગ્ન પ્રસંગમાં શૂટ, શેરવાની જેવાં નવાં કપડાં પહેરીને જે તે લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને ધૂસી જાય છે. એક કરતાં વધુ ટાબરિયાં લગ્ન પ્રસંગ તેમજ રિસેપ્શનમાં જાય છે.

જ્યાં પહેલા તે લગ્નના ચોરીની રેકી કરે છે અને પૂરતું ઘ્યાન રાખે છે કે સોનાના દાગીના ભરેલી બેગ કે થેલો કોની પાસે છે. લગ્નમાં તમામ ચોરીની આસપાસ રહેલા તમામ મહેમાનો પર આ ટાબરિયાં ટોળકીની બાજ નજર હોય છે. ટોળકીને જાણ થઇ જાય કે સોનાના દાગીના ક્યા બેગ કે થેલામાં છે તો તે નજર ચૂકવીને ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.

રસરાજ જેકપોર્ટ પાર્ટીપ્લોટમાં અગાઉ પણ ટાબરિયાં ટોળકીએ ચોરી કરી છે. વર્ષ ૨૮ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સહજ-૨માં રહેતા પંકજ ભાઇની ભત્રીજીનાં લગ્ન હતાં, જેમાં ટાબરિયાં ટોળકીએ ૩.૯૦ લાખના દાગીનાની ચોરી કરી હતી. પંકજભાઇ પાસે દાગીના અને રોક્ડ ભરેલુ પર્સ હતું. જે ટાબરિયાં ગેંગ લઇને જતી રહી હતી. અગાઉ પણ પોલીસે અનેક ટાબરિયાં ગેંગને પકડી છે. જે લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હતી.

You might also like
728_90