૨૦૧૮નું વર્ષ તાપસી માટે નિર્ણાયક બનશે

વર્ષ ૨૦૦૮માં ‘મિસ ફ્રેશ’નો ખિતાબ જીતનારી તાપસી પન્નુ હિંદી ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભાની ધાક જમાવી ચૂકી છે, પરંતુ તેની ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી થઇ હતી.

બાળપણમાં તેને અભિનેત્રી બનવાનો કોઇ શોખ ન હતો. તે કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવાની મારી કોઇ યોજના ન હતી. મેં તે માટે કોઇ કોશિશ કરી નથી. બધું તેની રીતે થતું ગયું. તાપસી ઇચ્છે છે કે તેની ફિલ્મો દર્શકો અને સમાજને એક સારો સંદેશો પણ આપે. તે કહે છે કે મેં પડતાં પડતાં કામ કરવાનું શીખ્યું છે અને આ શીખ મેં ફિલ્મોમાં લાગુ કરી અને સફળ રહી. મારો કોઇ ગોડફાધર નથી, જે મને સંભાળી લે. એ સાચું છે કે બહારથી આવનારા કલાકારોને મોકો મળવામાં મુશ્કેલી પડે છે.

એક હિટ ફિલ્મથી તમે સ્ટાર બની શકતાં નથી. સતત તમારે પરદા પર દેખાવું જોઇએ. મેં પણ એ વાતને ફોલો કરી છે. કોઇ પણ ભૂલ કરીએ ત્યારે આપણને ફિલ્મ મળવામાં મુશ્કેલી પડે છે. તેથી સાવધાનીથી ચાલવું પડે છે.

તાપસી કહે છે કે મને મોકો મળશે તો હું હોલિવૂડમાં પણ કામ કરીશ, જોકે હું મારો પ્રોફાઇલ લઇને ત્યાં કામ માગવા માટે ચક્કર નહીં લગાવું. બોલિવૂડમાં હાલમાં મારા હાથમાં ઘણી સારી ફિલ્મો છે. તે કહે છે કે હું સંતુષ્ટ છું. મને કમાલના રોલ મળ્યા છે. દરેક પ્રકારના રોલ કરી રહી છું. તેથી મને હોલિવૂડમાં કામ મેળવવાની ભૂખ નથી.

તાપસી કહે છે કે કરિયર માટે આ વર્ષ મારા માટે નિર્ણાયક હશે, કેમ કે હાલમાં ત્રણ એકદમ અલગ પ્રકારની ફિલ્મો કરી રહી છું. મારી પાસે ‘સુરમા’, ‘મૂલ્ક’ અને ‘મનમર્જિયા’ જેવી ફિલ્મો છે. આ તમામ ફિલ્મો એકબીજાથી સાવ અલગ છે. એક હોકી પર આધારિત છે તો બીજી સોશિયલ થ્રિલર છે અને ત્રીજી લવસ્ટોરી છે. ત્રણેયમાં મારી અલગ અલગ ભૂમિકાઓ છે. આ વર્ષે હું જાણી શકીશ કે દર્શકો મને કેટલો પ્રેમ કરે છે. ૨૦૧૮ મારા માટે એક નિર્ણાયક વર્ષ બનશે.

You might also like