ટી-20 વર્લ્ડકપ: ભારતીય ટીમની આ રહી તાકાત અને કમજોરી

ટી-20 વર્લ્ડકપની વોર્મઅપ મેચ શરૂ થઇ ગઇ છે અને જલ્દી જ મુખ્ય મેચોનો પ્રારંભ થશે. આઇસીસી ટી-20 વર્લ્ડકપના શરૂઆત પહેલાં જ ટીમ ઇન્ડિયાની ખૂબીઓ અને નબળાઇઓ વિશે આપણે જાણીએ. ભારતમાં પ્રથમ વખત રમાઇ રહેલ આઇસીસી ટી-20 વિશ્વકપ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં 3-0, શ્રીલંકા સામે 2-1 અને એશિયા કપ ટી-20માં પોતાની તાકાત બતાવી ચુકી છે. 2016માં ભારતીય ક્રિકેટ ટીમનો 10 મેચમાં વિજય તેમજ 1 મેચમાં પરાજય જેવો શાનદાર રેકર્ડ છે.

તેમજ ટી-20 વિશ્વકપ ભારતની ધરતી પર રમવાનો છે. ટીમ ઇન્ડિયા પાસે આર. અશ્વિન જેવો શાનદાર બોલર તો સતત પાંચ ટી-20 વર્લ્ડકપ રમી ચૂકેલા ધોની, યુવરાજ અને રોહિત શર્માનો અનુભવ કામ લાગશે. ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ગ્રુપમાં સૌથી વધુ દાવેદાર ધરાવતી ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપમાં ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને એક ક્વોલિફાય ટીમ હશે.

ભારતીય ટીમની તાકાત
ભારતીય ટીમની સૌથી મોટી તાકાત તેની બેટિંગ લાઇનઅપ હશે. હરીફ ટીમ કોઇપણ મોટો લક્ષ્ય આપશે તો પણ ભારત પાસે ધવન, રોહિત, કોહલી, રેના, યુવરાજ, ધોની, પંડયા અને રહાણે જેવા બેટ્સમેન છે જે હરીફ ટીમ પર હાવી થઇ શકે છે. જ્યારે બોલિંગમાં આર. અશ્વિન એવો સ્પિનર છે જેને પાવર પ્લે સહિત કોઇપણ સમયે બોલિંગ કરવાનું સુકાની ઇચ્છે છે.

ભારતીય ટીમની કમજોરી
ભારતીય ટીમની સૌથી મોટી કમજોરી બોલિંગ છે. જ્યાં તેના સ્ટાર બોલર્સ વારંવાર ઇજાઓનો સામનો કરી રહ્યાં છે. જ્યારે એશિયા કપની ફાઇનલમાં પંડયાની બોલિંગની કમજોરી જોવા મળી હતી. તો બીજી તરફ આ વર્ષે ભુવનેશ્વર, હરભજન અને નેગીએ એક-એક મેચ રમી હોવાથી તેમના ફોર્મ અંગે કાંઇ કહી શકાય નહીં.

ટીમ ઇન્ડિયાનું ટ્રમ્પ કાર્ડ
આ વર્ષે ટી-20માં અશ્વિન સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વનો બીજો બોલર છે. અશ્વિન પાવર પ્લે તેમજ મેચ દરમિયાન શાનદાર બોલિંગ નાંખે છે. બેટ્સમેન તરીકે નંબર ત્રણ પર કોહલીએ 2016માં અત્યાર સુધીમાં 117.33ની ઔસતથી રન બનાવ્યાં છે.

નિર્ણાયક બની શકે છે આ ખેલાડીઓ..
આ ટૂર્નામેન્ટ યુવરાજ અને નહેરા માટે અંતિમ ટૂર્નામેન્ટ હોય શકે છે. જેના કારણે તેમના પર સાર પ્રદર્શનની આશા રાખી શકાય તેમ છે. નેહરાએ એશિયા કપ તેમજ અગાઉની સિરીઝમાં બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું હતુ. તો યુવરાજસિંહે અત્યાર સુધીમાં ઘણી મેચોમાં સારી ઇનિંગ્સ રમી છે.

You might also like