ટી-20 વર્લ્ડકપ: પાકિસ્તાનથી પોઇન્ટ ટેબલમાં ભારત હજી પણ પાછળ

ટી-20 વર્લ્ડકપમાં શનિવારે ભારતે પોતાની મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાનને છ વિકેટે પરાજય આપ્યો. આ અગાઉ 15 માર્ચે રમાયેલ પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની 47 રને હાર થઇ હતી. પાકિસ્તાન ઉપર મેળવેલી જીત બાદ પોઇન્ટ ટેબલમાં ભારત આગળ આવશે તેવી ચાહકોને આશા હતી જેના પર પાણી ફરી વળ્યું છે. ભારતીય ટીમ સુપર-10ના ગ્રુપ 2માં હાલમાં પણ પાકિસ્તાન કરતાં પાછળ છે. ભારત અને પાકિસ્તાનની ટીમે અત્યાર સુધીમાં બે-બે મેચ રમી છે, જેમાં બંને ટીમે એક-એક મેચમાં પરાજયનો સ્વાદ ચાખ્યો છે.

પાકિસ્તાનનો અત્યારે ટી-20 વર્લ્ડકપમાં +0.999 રનરેટ છે જ્યારે ભારતનો નેટ રનરેટ નેગેટીવમાં છે. ભારતનો નેટ રનરેટ આ સમયે -0.895 છે. પાકિસ્તાનથી આગળ ન્યૂઝીલેન્ડ છે. ન્યૂઝીલેન્ડની ટીમે તેની બંને મેચ જીતી લીધી છે. તેનો નેટ રનરેટ +1.375 છે. ભારત પછી ઓસ્ટ્રેલિયા તેમજ બાંગ્લાદેશની ટીમ છે. આ બંને ટીમે એક-એક મેચ રમી છે જેમાં બંને ટીમની હાર થઇ છે. પાકિસ્તાન ટીમને પરાજય આપ્યા બાદ પણ ટીમ ઇન્ડીયાનું પોઇન્ટ ટેબલમાં પાછળ રહેવાનું કારણ ન્યૂઝીલેન્ડ સામેની હાર છે.

જો ભારતે પાકિસ્તાનને મોટા અંતરથી પરાજય આપ્યો હોત તો બીજા નંબરે પહોંચી ગયું હોત. ઓસ્ટ્રેલિયા-બાંગ્લાદેશની મેચમાં જો ઓસ્ટ્રેલિયાની ટીમ મોટા અંતરથી વિજય પ્રાપ્ત કરે છે તો તે ત્રીજા નંબર આવી શકે છે અને ભારત ચોથા નંબરે પહોંચી જશે. ભારતની હવે પછીની મેચ 23 માર્ચે બાંગ્લાદેશ સામે છે. પોઇન્ટસ ટેબલમાં ઉપર આવવા માટે ભારતે બાંગ્લાદેશને મોટા અંતરથી પરાજય આપવો પડશે.

You might also like