લખનૌમાં સૌથી મોટા આઇટી દરોડામાં 100 કિલો સોનું અને રૂ.10 કરોડની કેશ જપ્ત

લખનૌ: ઇન્કમટેકસ વિભાગે ૪૮ કલાક સુુધી દરોડાની કાર્યવાહી કરીને ધીરધારનો ધંધો કરતા લખનૌના બે વેપારી ભાઇઅો કનૈયાલાલ રસ્તોગી અને સંજય રસ્તોગીનાં પાંચ સ્થળોએ દરોડા પાડીને ૧૦૦ કિલો સોનું અને રૂ.૧૦ કરોડની કેશ જપ્ત કરી છે. જપ્ત કરાયેલ સોનાની કિંમત રૂ.૩૧ કરોડ આંકવામાં આવી છે. એટલું જ નહીં રસ્તોગી પરિવારના નામે ૯૮ કરોડની અઘોષિત મિલકતોના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.

ઇન્કમટેકસ વિભાગની યુપીમાં અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી ગણાતી કાર્યવાહીમાં ઇન્કમટેકસ વિભાગે મંગળવારે સવારે ૮-૦૦ વાગ્યાથી લખનૌ અને મુંબઇ સ્થિત સ્થળો પર દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન એવો પર્દાફાશ થયો છે કે રસ્તોગી એન્ડ સન્સના નામે હવાલા અને શરાફી કૌભાંડ મોટા પાયે ચાલતું હતું.

રસ્તોગી બંધુ વડીલો પાર્જિત ધીરધારના ધંધામાં રૂ.૬૦ કરોડ કરતાં વધુ રકમ ફરતી હતી. કરોડો રૂપિયાની બેનામી જમીન ખરીદી-વેચાણ કરવામાં આવી હતી. જેના દસ્તાવેજો ઇન્કમટેકસ વિભાગના પ્રવકતા અને ડે.કમિશનર જયનાથ વર્માના જણાવ્યા અનુસાર કનૈયાલાલ રસ્તોગી અને તેમના પુત્રના ઘરેથી રૂ.૮.૦૮ કરોડની કેશ અને ૮૭ કિલોનાં સોનાનાં બિસ્કિટ અને બે કિલો સોનાના દાગીના જપ્ત કર્યા હતા. જ્યારે સંજય રસ્તોગીના ઘરેથી રૂ.૧.૧૩ કરોડ રોકડા અને ૧૧.૬૪ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

રોકડ રકમ રૂ.ર,૦૦૦, પ૦૦ અને રૂ.૧૦૦ની નોટોનાં બંડલના સ્વરૂપમાં મળ્યા હતા. ૯૦ કિલો સોનાનાં બિસ્કિટ ભરેલી સૂટકેસ ઉઠાવવામાં અધિકારીઓને પરસેવો છૂટી ગયો હતો. કનૈયાલાલ રસ્તોગીના લખનૌ સ્થિત ગોડાઉન, કાર્યાલય અને આવાસ સહિત કુલ પાંચ સ્થળોએ અને મુંબઇના એક કાર્યાલય પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન તેમનો મોટા પાયે ચાલતો કાળો કારોબાર બહાર આવ્યો છે. આ ઉપરાંત લોકરમાં સોનાના બે કિલો દાગીના મળ્યા હતા.

You might also like